ગુજરાત સરકારે લગ્ન મારફતના ધર્માંતરણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરીને ફરજિયાત બનાવતા રાજ્યના કાયદાની એક જોગવાઈ પરના હાઇકોર્ટના સ્ટેને રદ કરવાની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી છે. સરકારે સર્વોચ્ચ અદાલતમાં જણાવ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતામાં અન્ય લોકોનું ધર્માંતરણ કરવાનો અધિકાર મળતો નથી.
ગુજરાત હાઈકોર્ટે તેના 19 ઓગસ્ટ અને 26 ઓગસ્ટ, 2021ના આદેશો દ્વારા રાજ્ય સરકારના 2003ના ધાર્મિક સ્વતંત્રતા ધારાની કલમ 5ના અમલ પર રોક લગાવી હતી.
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે દાખલ કરેલી જાહેર હિતની અરજી (પીઆઈએલ)ના જવાબમાં રજૂ કરેલા સોગંદનામામાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે તેને હાઇકોર્ટના સ્ટેને રદબાતલ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી છે, જેથી ગુજરાતમાં બળજબરી, લાલચ અથવા કપટના માધ્યમથી ધર્મ પરિવર્તનને પ્રતિબંધિત કરવાની જોગવાઈઓનો અમલ કરી શકાય.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં અન્ય લોકોનું ચોક્કસ ધર્મમાં ધર્માંતરણના મૂળભૂત અધિકારનો સમાવેશ થતો નથી. આ અધિકારમાં છેતરપિંડી, બળજબરી, લાલચ અથવા આવા અન્ય માધ્યમો દ્વારા વ્યક્તિનું ધર્માંતરણ કરવાનો અધિકાર સામેલ નથી.
સરકારે જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ ધારો મધ્ય પ્રદેશ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 1968 અને ઓરિસ્સા સ્વતંત્રતા અધિનિયમની બંધારણીયતાને 1977માં બંધારણીય બેંચ સમક્ષ પડકારવામાં આવી હતી. પરંતુ કોર્ટે જણાવ્યું હતું કે કપટપૂર્ણ અથવા પ્રેરિત ધર્માંતરણ અંતરાત્માની સ્વતંત્રતાના અધિકારનો ભંગ કરે છે. આવું ધર્માંતરણ જાહેર વ્યવસ્થા સામે અવરોધ ઊભો કરે છે તેથી રાજ્યને આ ધર્માંતરણને નિયંત્રિત/પ્રતિબંધિત કરવાની સત્તા છે. તેથી ગુજરાત ધાર્મિક સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003 જેવા કાયદાને આ અદાલત યોગ્ય ઠેરવે.
તેમાં ઉમેર્યું હતું કે હાઈકોર્ટે આદેશ આપતી વખતે એ ધ્યાન રાખ્યું નથી કે આ ધારાની કલમ 5ની અમલ પર સ્ટે મૂકવાથી કાયદાનો સમગ્ર હેતુ માર્યો જાય છે.