ન્યૂયોર્ક શહેરમાં ઉંદરોની સમસ્યા ખૂબ જ ગંભીર બની છે. આથી ત્યાં એક એવા વ્યક્તિની જરૂર છે જે ઠંડે કલેજે આવા ઉંદરોનો ખાત્મો બોલાવી શકે.
મેયર એરિક એડમ્સના એડમિનિસ્ટ્રેશને આ અંગે નવી જગ્યા ભરવા માટે તાજેતરમાં એક જાહેરાત આપી છે. જેમાં ડાયરેક્ટર ઓફ રોડેન્ટ મિટિગેશનની જગ્યા માટે દર વર્ષે 120,000થી 150,000 ડોલરનો પગાર ચૂકવવામાં આવશે. આ જાહેરાતમાં પૂછવામાં આવ્યું છે કે, “તમે અશક્ય કામ કરી શકશો?”
આ જગ્યા માટે પસંદગી પામનાર વ્યક્તિ પાસે ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે, આ ઉપરાંત શહેરી આયોજન, પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં અથવા સરકારી કામનો અનુભવ હોય અને વિવિધ પ્રકારની નિપૂણતા જરૂરી છે.
આ બધાથી ઉપર સફળ થનાર ઉમેદવાર પાસે ન્યૂયોર્ક શહેરના સાચા દુશ્મન એવા ઉંદરોની વસતી સામે લડવા માટે દૃઢ સંકલ્પ અને તેમનો ખાત્મો બોલાવવાની ઇચ્છા શક્તિ હોવી જરૂરી છે. અમેરિકાના સૌથી મોટા શહેરોના લોકોમાં ઉંદરો પ્રત્યે વધુ અણગમો જોવા મળે છે. ઉંદરો વારંવાર, સબવે ટ્રેક્સ વચ્ચે દોડતા અને કચરાની બેગ્સમાં જોવા મળે છે. જોકે, ન્યૂયોર્કમાં કઠણાઇ એ છે કે, ત્યાં જેટલા મનુષ્યો વસે છે એટલી જ સંખ્યામાં ઉંદરો છે. શહેરમાં નવ મિલિયન ઉંદરો હોવાનું કહેવાય છે. જોકે, એક સ્થાનિક આંકડાશાસ્ત્રી આ વાતને ખોટી ઠેરવે છે. ઇંગ્લિશ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સે 1842માં ન્યૂયોર્કના પ્રવાસ દરમિયાન ઉંદરો વિશે ફરિયાદ કરી હતી. છેલ્લા ઘણા વર્ષોમાં ઉંદરોની વસતી ઘટાડવા માટે શહેરના સત્તાધિશોએ મિલિયન્સ ડોલર ખર્ચી નાખ્યા છે. 2019માં એક પ્રેઝન્ટેશન દરમિયાન બ્રૂકલિન બરોના તત્કાલીન પ્રેસિડેન્ટ એડમ્સે એક એવા મશીનનું લોકાર્પણ કર્યું હતું, જેમાં ઉંદરોને આલ્કોહોલ મિશ્રિત એક પ્રવાહીમાં ડૂબાડવામાં આવતા હતા. નવી વાત એ પણ છે કે, શહેરમાં એક રેટ એકેડમી પણ ચલાવવામાં આવે છે, જેમાં સ્થાનિક રહિશોને ઉંદરોને કેવી રીતે અટકાવી શકાય તેની પદ્ધતિઓ શિખવાડવામાં આવે છે. જોકે, આટલા પ્રયાસો કરવા છતાં પણ ન્યૂયોર્કમાં તેની સમસ્યા યથાવત છે.
સ્થાનિક રીપોર્ટસમાં જણાવ્યા મુજબ, આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિના દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર 21, 500 કરતા પણ વધુ ઉંદરો જોવા મળ્યા હતા, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 18 હજાર જેટલા ઉંદરો જોવા મળ્યા હતા.