ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના 5 ડિસેમ્બરે મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 2 ડિસેમ્બરે અમદાવાદમાં સતત બીજા દિવસે રોડ શો યોજ્યો હતો. મતદાતાને આકર્ષવા માટે મોદીએ સાંજે અમદાવાદમાં શાહીબાગ શરુ થઈને સરસપુર સુધી રોડ શો કર્યો હતો, તેમાં અમદાવાદના કોટ વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. પહેલી ડિસેમ્બરે મોદીએ અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધી 30 કિમી લાંબો રોડશો કર્યો હતો. તેમાં અમદાવાદ શહેરની હદમાં આવતી મોટાભાગની વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ 2 ડિસેમ્બરે કાંકરેજ, પાટણ, સોજિત્રા તેમજ અમદાવાદના સરસપુર વિસ્તારમાં ચૂંટણીસભા યોજી કરી હતી. પાટણમાં થયેલી સભામાં મોદીએ પોતાના પ્રચાર અભિયાનનો આજે છેલ્લો દિવસ હોવાનું જણાવ્યું હતું. જ્યારે કાંકરેજમાં તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. સોજિત્રામાં વડાપ્રધાનને જણાવ્યું હતું કે ‘કોમી હુલ્લડો બંધ થઈ ગયા છે અને રંઝાડનારા બધા લાઈન પર આવી ગયા પર ગયા છે.
પાટણમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે ગરીબી હટાવવાની વાત કરી, પરંતુ ગરીબોને ઘર ના આપ્યા. ભાજપના શાસનમાં 45 કરોડ લોકોને બેંકમાં ખાતા ખોલાવી અપાયા અને ગરીબોને અત્યાર સુધી 3 કરોડ પાકા મકાન બનાવી અપાયા છે, તેમજ 11 કરોડથી વધુ શૌચાલયો બનાવાયા છે. કોંગ્રેસના સમયમાં દિલ્હીથી ગરીબ માટે 1 રુપિયો નીકળતો અને તેના સુધી 15 પૈસા પહોંચતા હતા.
પાટણની સભામાં વડાપ્રધાને દાવો કર્યો હતો કે પહેલા તબક્કાના વોટિંગ બાદ કોંગ્રેસે જાણે પોતાની હાર સ્વીકારી લીધી છે. પરિણામ આવ્યા બાદ ઈવીએમને દોષ દેવાની પણ કોંગ્રેસની આદત બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 01 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ચૂંટણી યોજાઈ હતી અને 05 ડિસેમ્બરના રોજ મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કામાં વોટિંગ થવાનું છે. જોકે, પહેલા તબક્કામાં થયેલા ઓછા મતદાનની કયા પક્ષને કેવી અસર પડશે તેના પર સૌની નજર છે