ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 2017ની સરખામણીમાં પાંચ ટકા ઓછું મતદાન થયું હતું. તેનાથી કયા પક્ષને લાભ થશે તેની વિવિધ થીયરીઓ ચાલી રહી છે, પરંતુ અંતિમ ખબર તો 8 ડિસેમ્બરે પડશે.
1 ડિસેમ્બરે 89 બેઠકો પર આશરે 63 ટકા મતદાન થયું હતું. આની સામે 2017ની ચૂંટણીમાં 68 ટકા અને 2012ની ચૂંટણીમાં 72 ટકા મતદાન થયું હતું. આ વખતે ઓછા મતદાન માટે ઘણો પરિબળોને જવાબદાર ગણવામાં આવે છે. પ્રથમ પરિબળ મતદાતામાં ઉત્સાહનો અભાવ છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઓછા મતદાનથી ભાજપને નુકસાન થાય છે. જોકે ભાજપના નેતાઓ આવી ચિંતાઓને નકારી કાઢે છે. ભાજપના નેતાઓની દલીલ છે કે નીચું મતદાન દર્શાવે છે કે સત્તાવિરોધ લહેર નથી. જો સત્તા વિરોધી લહેર હોત તો મતદાતા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોત. અહીં ઉલ્લેખનીય છે કે ભાજપ રાજયમાં 27 વર્ષથી સત્તા પર છે. ભાજપના નેતાઓની બીજી થીયરી એ છે કે લોકો માને છે કે ભાજપ જ ફરી સત્તા પર આવવો છે, તેથી મતદાતા ઘેર બેસી રહ્યાં હતા.
જોકે કોંગ્રેસ કેમ્પ માને છે કે 2012માં મતદાનની ટકાવારી 72 ટકા હતી, જે 2017માં ઘટીને 68 ટકા થઈ હતી. તે સમયે પ્રથમ તબક્કામાં ભાજપની બેઠકો 63થી ઘટીને 48 થઈ ગઈ હતી, જ્યારે કોંગ્રેસને 16 બેઠકોનો ફાયદો થયો હતો.
કોંગ્રેસે દાવો કર્યો હતો કે ભાજપના મતદાર સત્તાધારી પક્ષ પ્રત્યેના ગુસ્સાને કારણે બહાર નીકળ્યા નથી. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે એક ટ્વીટ કર્યું હતું કે ગુજરાતી મતદારોએ તબક્કા-1માં અસાધારણ કામ કર્યું છે અને “પરિવર્તન” માટે મત આપ્યો છે, જેના પર કોંગ્રેસના એક નેતાએ વળતો જવાબ આપ્યો કે “પરિવર્તન” હશે, પરંતુ કોંગ્રેસની તરફેણમાં.
2017ની સરખામણીમાં આ વખતે પ્રથમ તબક્કામાં ગુજરાતના દરેક જિલ્લામાં મતદાન ઘટ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ અને સુરતમાં 30 રેલીઓ અને બે મોટા રોડ શો સાથે ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માત્ર એક દિવસ માટે આવ્યા હતા અને માત્ર બે રેલીઓ કરી હતી. કોંગ્રેસે લો-કી ડોર-ટુ-ડોર પ્રચાર કરવાની વ્યૂહરચના અપનાવી હતી જ્યારે AAPએ હરીફાઈને ત્રિકોણીય બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને મુખ્યપ્રધાનના ચહેરાની પણ જાહેરાત કરી હતી.આ વખતની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આદિવાસી વિસ્તાર એટલે કે તાપી જિલ્લામાં સૌથી વધુ ૭૬.૯૧ ટકા મતદાન નોંધાયું છે. જ્યારે બોટાદ જિલ્લામાં સૌથી ઓછું ૫૭.૫૮ ટકા મતદાન થયું છે.