દિલ્હી પોલીસે ગુરુવારે કોંગ્રેસ નેતા શશિ થરૂરને તેમની પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના કેસમાં નિર્દોષ છોડી મૂકવા સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. સિટી કોર્ટે થરૂરને નિર્દોષ છોડી મૂક્યાના કર્યાના આશરે 15 મહિના પછી આ અરજી કરી છે. પોલીસે આ રિવિઝન પિટિશન દાખલ કરવામાં વિલંબ બદલ માફીની પણ માગણી કરી છે.
હાઈકોર્ટે દિલ્હી પોલીસની અરજી અંગે થરૂરનો જવાબ માંગ્યો છે અને મામલાની 7 ફેબ્રુઆરી, 2023ના રોજ સુનાવણી નિર્ધારિત કરી છે.
અગાઉ તિરુવનંતપુરમના લોકસભા સાંસદને ઓગસ્ટ 2021માં ક્રૂરતા અને આત્મહત્યા માટે ઉશ્કેરવા જેવા તમામ ગુનામાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની પત્ની સુનંદા પુષ્કર દિલ્હીની એક વૈભવી હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યાના સાત વર્ષ પછી થરૂરને આ રાહત મળી હતી.
સુનંદ પુષ્કરનો મૃતદેહ 17 જાન્યુઆરી, 2014 એક લક્ઝરી હોટલના સ્યુટમાં મળી આવ્યો હતો. તે સમયે થરૂરના સત્તાવાર બંગલાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું હોવાથી આ દંપતી હોટેલમાં રોકાયા હતા.
થરૂરના વકીલે લાંબા વિલંબનો ઉલ્લેખ કર્યા પછી ન્યાયમૂર્તિ ડી કે શર્માએ વિલંબ બદલ માફી માટે પોલીસની અરજી અંગે કોંગ્રેસ નેતાને નોટિસ જારી તેમનો જવાબ માંગ્યો હતો. ન્યાયાધીશે જણાવ્યું હતું કે “પ્રથમ અમે વિલંબ બદલ માફી અંગેની અરજી નિર્ણય કરીશું.”
પોલીસે એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સેલ રૂપાલી બંધોપાધ્યા મારફત ટ્રાયલ કોર્ટના 2021ના આદેશને રદ કરવા તથા ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 498A (મહિલા પર પતિ અને તેના સંબંધીઓની ક્રૂરતા) અને 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ થરૂર સામે આરોપો ઘડવાના નિર્દેશ માટે રિવિઝન અરજી દાખલ કરી છે.