ભારતના એરપોર્ટમાં અવરોધ મુક્ત અને સરળ એન્ટ્રી માટે ગુરુવાર,1 ડિસેમ્બરથી ‘ડિજિયાત્રા’ નામની સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. ડિજિયાત્રાની હેતુ ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી (FRT) આધારે એરપોર્ટ પર મુસાફરોનો કોન્ટેક્ટલેસ અને સીમલેસ પ્રવેશ સરળ બનાવવાનો છે. હાલમાં ત્રણ એરપોર્ટ – દિલ્હી, બેંગલુરુ અને વારાણસી પર આ સુવિધા ચાલુ કરાઈ છે.
‘ડિજિયાત્રા’ સાથે સિક્યોરિટી ચેક એરિયા સહિત વિવિધ ચેકપોઇન્ટ્સ પર ચહેરાની ઓળખ સિસ્ટમના આધારે મુસાફરોનો ડેટાને આપમેળે પ્રોસેસ થઈ શકશે. પ્રથમ તબક્કામાં તે સાત એરપોર્ટ પર અને માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ મુસાફરો માટે શરૂ કરાઈ છે. માર્ચ 2023 સુધીમાં હૈદરાબાદ, કોલકાતા, પુણે અને વિજયવાડા એરપોર્ટ પર આ ટેકનોલોજીનો ઉપયોગ થશે. આ પછી તેનો સમગ્ર દેશમાં ઉપયોગ કરવાની યોજના છે.
આ સુવિધાનો ઉપયોગ કરવા માટે આધાર કાર્ડ-આધારિત વેલિડેશન અને સેલ્ફ ઈમેજ કેપ્ચરનો ઉપયોગ કરીને ડિજી યાત્રા એપ પર એક વખત રજિસ્ટ્રેશન જરૂરી છે. આ પછી બોર્ડિંગ પાસ સ્કેન કરો અને એરપોર્ટ સાથે તમારા ઓળખપત્રો શેર કરો. દિલ્હી એરપોર્ટ પર 15 ઓગસ્ટના રોજ ડિજિયાત્રાની ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. એરપોર્ટના ઈ-ગેટ પર પેસેન્જરે પહેલીવાર કોડેડ બોર્ડિંગ પાસ સ્કેન કરવાનો રહેશે. ત્યારબાદ, ઈ-ગેટ પર સ્થાપિત
ચહેરાની ઓળખ સિસ્ટમ મુસાફરોની ઓળખ અને મુસાફરી દસ્તાવેજને માન્ય કરશે. એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ મુસાફર ઈ-ગેટ દ્વારા એરપોર્ટમાં પ્રવેશી શકશે. યાત્રીએ સુરક્ષા સાથે સફર કરવા અને વિમાનમાં સવાર થવા માટે સામાન્ય પ્રક્રિયાનું પાલન કરવું પડશે.
નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે ‘ડિજીયાત્રા’ સુવિધા શરૂ કરી છે. આ હેઠળ, રાષ્ટ્રીય રાજધાનીના એરપોર્ટ પર ચહેરાની ઓળખ સિસ્ટમના આધારે હવાઈ મુસાફરોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે.
આ ઉપરાંત, ડિજિયાત્રા એરપોર્ટ પર સુરક્ષા વધારવાની ખાતરી કરશે. પેસેન્જર ડેટાને એરલાઇન્સ ડિપાર્ચર કંટ્રોલ સિસ્ટમ સાથે લિંક કરવામાં આવશે. જે માત્ર નિયુક્ત મુસાફરોને જ ટર્મિનલમાં પ્રવેશવાની મંજૂરી આપશે.