ગુજરાતમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે પ્રચાર પડઘમ મંગળવાર (29 નવેમ્બર)ની સાંજે શાંત થયા હતા. તમામ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને રીઝવવા માટે છેલ્લી ઘડીએ પ્રયાસો કર્યા હતા. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. બાકીની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. સૌરાષ્ઠ, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની આ 89 બેઠકો માટે માટે કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે.
પ્રથમ તબક્કામાં ભાજપ અને કોંગ્રેસના 89 ઉમેદવારો અને AAPના 88 ઉમેદવારો મેદાનમાં છે. સુરત પૂર્વ માટે AAPના ઉમેદવારે છેલ્લા દિવસે ઉમેદવારી પાછી ખેંચી હતી. માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટી (BSP) એ પ્રથમ તબક્કામાં 57 ઉમેદવારો, ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)એ 14, સમાજવાદી પાર્ટીએ 12, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) ચાર, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ બે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ વિસ્તારોમાં કુલ 2,39,76,670 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,24,33,362 પુરૂષ, 1,15,42,811 મહિલા અને 497 ત્રીજા લિંગના મતદારોનો સમાવેશ થાય છે.ગુજરાતમાં કુલ 4,91,35,400 નોંધાયેલા મતદારો છે.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મંગળવારે ભાવનગર અને ગાંધીધામ (કચ્છ જિલ્લો)માં પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ચૂંટણીપ્રચાર કર્યો હતો.
પ્રથમ તબક્કાના ચૂંટણીના મેદાનમાં રહેલા કેટલાક અગ્રણી ઉમેદવારો ઇસુદાન ગઢવી, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, કાંતિલાલ અમૃતિયા, રીવાબા જાડેજા અને ગોપાલ ઇટાલિયા વગેરેનો સમાવેશ થાય છે. ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્ય પ્રધાનપદનો ચહેરો છે, જેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, નડ્ડા અને અન્ય ભાજપના નેતાઓએ પહેલા તબક્કામાં ચૂંટણી લડી રહેલા તેમના પક્ષના ઉમેદવારોને સમર્થન મેળવવા માટે રેલીઓ કરી હતી.
AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ તેમની પાર્ટીના ઉમેદવારો માટે વ્યાપક પ્રચાર કર્યો હતો અને ગુજરાતના લોકોને ઘણા વચનો આપ્યા છે. આમ આદમી પાર્ટી તરફથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાર્ટી માટે વોટ માંગવા સૌરાષ્ટ્રના લીમડી અને બોટાદમાં રોડ શો કર્યા હતા. કોંગ્રેસ તરફથી તેના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સહિતના નેતાઓએ ચૂંટણીસભા યોજી હતી.