ઓસ્ટ્રેલિયાની સંસદે તાજેતરમાં ભારત સાથેના ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA)ને મંજૂરી આપી હતી. આ સમજૂતીને ભારતને વેપાર અને વિઝા એમ બંને સંદર્ભમાં ફાયદો થશે. આ કરારથી બંને દેશોની વચ્ચેનો વેપાર પાંચ વર્ષમાં બમણો થશે. મોરેશિયસ અને યુએઈ પછી મોદી સરકાર કરેલી આવી ત્રીજી ઐતિહાસિક સમજૂતી છે.
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે પ્રથમ વખત ભારતીય શેફ અને યોગ પ્રશિક્ષકો માટે વિઝા મળશે. એવી પણ પ્રતિબદ્ધતા પણ મળી છે કે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા જતા દરેક બાળકને શિક્ષણના સ્તરના આધારે ત્યાં કામ કરવાની તક આપશે. એક દાયકા બાદ વિકસિત દેશ સાથે આ પ્રથમ કરાર છે.આ કરાર દ્રાક્ષ ઉગાડતા ખેડૂતોને વાઇન બનાવવા માટે ઓસ્ટ્રેલિયામાં વધુ વ્યવસાયની તકો શોધવામાં મદદ કરશે.
કરારથી દ્વિપક્ષીય વેપાર હાલના 31 અબજ ડોલરથી વધીને આગામી પાંચ-છ વર્ષમાં 45-50 અબજ ડોલર થવાની ધારણા છે. આ સમજૂતીથી ભારતના ટેક્સટાઇલ, લેધર, ફર્નિચર, જ્વેલરી અને મશીનરી સહિતના 6,000થી વધુ ક્ષેત્રોના નિકાસકારોને ઓસ્ટ્રેલિયામાં ડ્યૂટી મુક્ત નિકાસ કરવાની છૂટ મળશે. ટેક્સટાઇલ્સ એન્ડ એપેરલ, અમુક કૃષિ અને માછલી પ્રોડક્ટસ, લેધર, ફૂટવેર, ફર્નિચર, રમતગમતનો સામાન, જ્વેલરી, મશીનરી અને ઇલેક્ટ્રિકલ ગૂડ્સ જેવા શ્રમપ્રધાન ક્ષેત્રોને તેનાથી પુષ્કળ લાભ થશે. કરાર હેઠળ, ઓસ્ટ્રેલિયા પ્રથમ દિવસથી મૂલ્યના સંદર્ભમાં લગભગ 96.4 ટકા નિકાસ માટે ભારતને ડ્યુટી ફ્રી માર્કેટ ઓફર કરશે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં 4-5 ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે.
ગોયલે પત્રકારોને જણાવ્યું હતું કે, “ઓસ્ટ્રેલિયા તેની 100 ટકા પ્રોડક્ટ લાઇન કોઇ ક્વોટા વગર ખુલ્લી મુકશે. ઓસ્ટ્રેલિયાએ કોઈપણ દેશ માટે આવું પ્રથમ વખત કર્યું છે… ઓસ્ટ્રેલિયન રોકાણ આવશે ત્યારે આપણને નોકરીની તકો જોવા મળશે.
ઓસ્ટ્રેલિયાની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ બંને દેશો એક તારીખ નક્કી કરશે અને કરારનો અમલ કરશે. પ્રધાને કોઇ ચોક્કસ તારીખ આપી ન હતી, પરંતુ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી વર્ષની પહેલી જાન્યુઆરીથી તેનો અમલ થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયાએ DTAAમાં સુધારાને પણ મંજૂરી આપી
ઓસ્ટ્રેલિયન સંસદે ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ (DTAA)માં સુધારાને પણ મંજૂરી આપી છે.તેનાથી ભારતના આઇટી ક્ષેત્રને મદદ મળશે. ઓસ્ટ્રેલિયામાં ટેકનિકલ સપોર્ટ પૂરી પાડતી ભારતની આઇટી કંપનીઓની વિદેશી આવક પર ટેક્સ લાગુ પડશે નહીં. ગોયલે જણાવ્યું હતું કે ટેક્સ નાબૂદીથી ઓસ્ટ્રેલિયા સાથેના બિઝનેસમાં ઉછાળો આવશે. આનાથી ઓસ્ટ્રેલિયામાં કામ કરતી ભારતની આશરે 100 કંપનીઓને દર વર્ષે 20 કરોડ ડોલરની બચત થશે.