ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર હવે છેલ્લા સપ્તાહમાં પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે લાંબા સમય પછી ગંભીર કરી શકાય તેવો ત્રિપાંખીયો જંગ જામ્યો છે. દિલ્હી અને પંજાબમાં સત્તા પ્રાપ્ત કર્યા પછી આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત પૂર્ણકક્ષાએ જંગ માંડી ઝુકાવ્યુ છે અને વિજયના દાવા સાથે તમામ તાકાત લગાવી છે.
27 વર્ષથી ગુજરાતમાં શાસન કરતા ભાજપના પ્રચારનું સુકાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળ્યું છે, તો કોંગ્રેસનો પ્રચાર લો પ્રાઇફાઇલ રહ્યો છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ અનેક લોભામણા વચનો સાથે હાઇવોલ્ટેજ પ્રચાર કરી રહી છે. ગુજરાતના મતદારોનું મન હજી પણ અકળ છે. 8 ડિસેમ્બરે રીઝલ્ટ જાહેર થશે. રાજ્યની કુલ ૧૮૨ બેઠક પર કુલ ૧,૬૨૧ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે.
ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ શાસિત રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. ભાજપે તેની સ્ટાર પ્રચારકોની આખી ફોજ મેદાનમાં ઉતારી છે. ભાજપ ખાસ કરીને વિકાસ, તૃષ્ટિકરણ, આદિવાસી કલ્યાણ, ભ્રષ્ટાચાર, ડબલ એન્જિન સરકાર વગેરે મુદ્દા પર મતદાતાને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કોંગ્રેસ ખાસ કરીને મોંઘવારી, ભાજપની આપખુદ શૈલી અને પરિવર્તનના મુદ્દા પર વોટ માગી રહી છે.
કોંગ્રેસ તરફથી 21 નવેમ્બરે રાહુલ ગાંધી માત્ર એક વખત ગુજરાતમાં પ્રવાસ આવ્યા હતા. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા દિગ્ગજ નેતાઓની ગેરહાજરી વર્તાય છે. આમ આદમી પાર્ટી હાઇ ડેસિબલ પ્રચાર ઝુંબેશથી ધૂમ મચાવવામાં સફળ રહી છે. મતદારોનો એક વર્ગ માને છે કે ભાજપ અને અરવિંદ કેજરીવાલ સામે મજબૂત પડકાર ઊભો કરવામાં કોંગ્રેસ અસમર્થ રહી છે.કેટલાય રાજકિય નિરીક્ષકો માને છે કે, મુખ્ય સ્પર્ધા ભાજપ અને આપ વચ્ચે જ છે. કેટલાક સૂત્રોએ તો એવા પણ સંકેત આપ્યા છે કે વડાપ્રધાને આપ સામે ખાસ પ્રહારો નહીં કરીને આવી ધારણા મજબૂત બનાવી છે.