કતારમાં ફૂટબોલ વર્લ્ડ કપની મેચમાં મોરોક્કો સામે બેલ્જિયમ સામેની હાર બાદ બ્રસેલ્સમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. ફૂટબોલ ચાહકો આ હાર પચાવી શક્યા ન હતા તથા કાર અને કેટલાક ઇલેક્ટ્રિક સ્કૂટરને આગ ચાંપી દીધી હતી. બેલ્જિયમની રાજધાનીમાં ઘણા સ્થળોએ તોફાનો થયા હતા. ફૂટબોલ ચાહકોની પોલીસ સાથે અથડામણ થઈ હતી.બેલ્જિયમ સામે 2-0થી વિજય મેળવીને મોરોક્કોએ 24 વર્ષમાં પ્રથમ વખત વર્લ્ડકપમાં વિજય મેળ્યો હતો. 1998માં સ્કોટલેન્ડને હરાવ્યું તે પછી વિશ્વ કપમાં મોરોક્કોની પ્રથમ જીત હતી.
બેલ્જિયમ પોલીસે એક ડઝન લોકોની અટકાયત અને ધરપકડ પણ કરી હતી. બેલ્જિયમની રાજધાનીમાં ડઝનેક સ્થળોએ રમખાણો થયા હતા, તેમાંથી કેટલાક ફૂટબોલ ચાહકો મોરોક્કોના ધ્વજમાં લપેટાયેલા હતા. બીજી તરફ લોકોને નિયંત્રિત કરવા માટે પોલીસે વોટર કેનન અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પોલીસ પ્રવક્તા ઈલ્સે વાન ડી કીરેએ જણાવ્યું હતું કે હાલમાં અહીં સ્થિતિ નિયંત્રણમાં છે અને હિંસક અથડામણો થઈ હોય તેવા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે.
બ્રસેલ્સના મેયર ફિલિપ ક્લોસે લોકોને શહેરના કેન્દ્રથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, પોલીસ અધિકારીઓ રસ્તાઓ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. સુરક્ષાના કારણોસર પોલીસે સાવચેતીના પગલારૂપે ત્યાં મેટ્રો અને ટ્રામ સેવા બંધ કરવી પડી હતી. હિંસા ફેલાતી રોકવા માટે મેટ્રો સ્ટેશનોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને શેરીઓમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓએ આતશબાજી સામગ્રી, પ્રોજેક્ટાઈલ અને લાઠીઓનો ઉપયોગ કર્યો હતો અને જાહેર માર્ગ પર આગ ચાંપી દીધી હતી. આતશબાજીના કારણે એક પત્રકારના ચહેરા પર ઈજા થઈ હતી. પોલીસને આશંકા છે કે, શહેરમાં ફરી અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે છે. આ સાથે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની પણ પૂછપરછ કરી રહી છે.