જમ્મુ કાશ્મીરના વહીવટીતંત્રે રવિવાર, 27 નવેમ્બરે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તીને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું સરકારી ક્વાર્ટર 24 કલાકમાં ખાલી કરવાની નોટિસ ફટકારી છે. અગાઉ ઓક્ટોબરમાં શ્રીનગર ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન ફેરવ્યૂ બંગલો ખાલી કરવાની નોટિસ અપાઈ હતી.
મહેબૂબા ઉપરાંત ભૂતપૂર્વ ધારાસભ્યો મોહમ્મદ અલ્તાફ વાની, અબ્દુલ રહીમ રાથેર, અબ્દુલ મજીદ ભટ, અલ્તાફ શાહ અને અબ્દુલ કબીર પઠાણ, ભૂતપૂર્વ એમએલસી બશીર શાહ અને ચૌધરી નિઝામુદ્દીનને નોટિસ જારી કરાઈ છે. દરમિયાન સ્થાનિક સમાચાર એજન્સીઓએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ધારાસભ્યો અને MLC સહિત અન્ય સાત ભૂતપૂર્વ નેતાઓને નોટિસ અપાઈ છે.
મહેબૂબાને શનિવારે અનંતનાગના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે જારી કરેલી નોટિસમાં જણાવ્યું હતું કે “તમને 24 કલાકની અંદર રેફરન્સ હેઠળનું ક્વાર્ટર ખાલી કરવા માટે આદેશ આપવામાં આવે છે. જો તેઓ આવું કરવામાં નિષ્ફળ રહેશે તો કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરાશે.” નોટિસમાં કોઇ કારણ આપવામાં આવ્યું નથી.
અગાઉ 15 ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીર સરકારના એસ્ટેટ વિભાગે પીડીપી પ્રમુખને ઉચ્ચ સુરક્ષાવાળા ગુપકર વિસ્તારમાં તેમનો સત્તાવાર બંગલો ખાલી કરવા નોટિસ પાઠવી હતી. શ્રીનગરના દાલ સરોવરના કાંઠે ગુપકર રોડ પરનો ફેરવ્યુ બંગલો મહેબૂબાના પિતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદને 2005માં ફાળવામાં આવ્યો હતો.
પીડીપીના મુખ્ય પ્રવક્તા સુહેલ બુખારીએ આક્ષેપ કર્યો હતો કે મુફ્તીને શ્રીનગરના તુલસી બાગમાં એક જર્જરિત જગ્યા ઓફર કરાઈ હતી, જે તેમને અયોગ્ય લાગી હતી.