ઇન્ડિયન રેલવે 2025-26 સુધીમાં યુરોપ, દક્ષિણ અમેરિકા અને પૂર્વ એશિયાના બજારોમાં વંદે ભારત ટ્રેનનો મુખ્ય નિકાસકાર બનવાનું લક્ષ્ય ધરાવે છે. સ્લીપર કોચ સાથે સ્વદેશી ટ્રેનોનું નવીનતમ વર્ઝન 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કાર્યરત થશે.
એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે રેલ્વે આગામી થોડા વર્ષોમાં 75 વંદે ભારત ટ્રેનો પર 10-12 લાખ કિલોમીટરનું અંતર કાપવાની યોજના બનાવી રહી છે, જેથી આ ટ્રેનો નિકાસ કરવા માટે તૈયાર કરી શકાય. નિકાસ માટે ટ્રેનની ઇકોસિસ્ટમ આગામી બે થી ત્રણ વર્ષમાં તૈયાર કરવી પડશે. અમે આગામી ત્રણ વર્ષમાં 475 વંદે ભારત ટ્રેનો બનાવવાના ટ્રેક પર છીએ અને એકવાર તે સફળતાપૂર્વક દોડશે તે પછી આપણી પ્રોડક્ટ અંગે વૈશ્વિક બજારોમાં વિશ્વાસ વધશે. વંદે ભારત ટ્રેન તમામ આંતરરાષ્ટ્રીય ધોરણોમાં ખરી ઉતરે છે.
આ ટ્રેનો વિશે બોલતા તેમણે જણાવ્યું કે આમાં ત્રણનો રાઇડર ઇન્ડેક્સ છે, જેનો અર્થ એ થાય છે કે મુસાફરોને કોઈ આંચકા લાગશે નહીં અથવા ન્યૂનતમ આંચકો રહેશે. તેનું અવાજનું સ્તર 65 ડેસિબલ છે, જે વિમાનના અવાજ કરતાં 100 ગણું ઓછું છે. હાલની વંદે ભારત ટ્રેનો બ્રોડગેજ ટ્રેક માટે યોગ્ય છે, રેલવેના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ટ્રેનમાં સુધારા વધારા કરશે અને તે અન્ય દેશો દ્વારા ઉપયોગમાં લેવાતા સ્ટાન્ડર્ડ ગેજ પર દોડવા સક્ષમ બનશે.
ઇન્ડિયન રેલવે વિવિધ રોલિંગ સ્ટોકના પરીક્ષણો/ટ્રાયલ કરવા માટે જોધપુર ડિવિઝનમાં (જયપુરથી લગભગ 70 કિમી દૂર) ગુડા-થાથાણા મિથરી વચ્ચે 59 કિમીનો ટેસ્ટિંગ ટ્રેક બનાવી રહ્યું છે. આ ટ્રેક 220 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે દોડતી ટ્રેનોનું પરીક્ષણ કરી શકે છે, જેમાં વિવિધ વળાંકોનો ઉપયોગ થાય છે. આ ટ્રેક જાન્યુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે અને નિકાસ કરવામાં આવનાર ટ્રેનોનું અહીં સંભવિત ગ્રાહકો માટે પરીક્ષણ કરવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે કે સ્લીપર વંદે ભારત ટ્રેનો 2024ના પ્રથમ ક્વાર્ટર સુધીમાં તૈયાર થઈ જશે અને તેનું નિર્માણ ચેન્નાઇ ખાતેની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં કરાશે. આ ટ્રેનો દિલ્હી-મુંબઈ, દિલ્હી-હાવડા અને અન્ય મુખ્ય રૂટ જેવા રૂટ પર હાલની રાજધાની અને દુરંતો ટ્રેનોને બદલશે કે સમાંતર દોડશે તે અંગે નિર્ણય લેવાનો બાકી છે.