છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે મહિલાઓ સહિત ચાર માઓવાદીઓ મોત થયા હતા. પોલીસ મહાનિર્દેશક (બસ્તર રેન્જ) સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોની સંયુક્ત ટીમોએ માઓવાદી વિરોધી ઓપરેશન હાથ ધર્યું ત્યારે મિતુર પોલીસ સ્ટેશનની હદ હેઠળના પોમરા ગામની નજીકના જંગલમાં સવારે આશરે 7.30 વાગ્યે ગોળીબાર થયો હતો.
આ કાર્યવાહીમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો સામેલ હતા. રાજધાની રાયપુરથી 400 કિમી દૂર સ્થિત પોમરા-હલ્લુર જંગલમાં 30-40 સાગરિતો સાથે માઓવાદી મોહન કડતી અને સુમિત્રા હાજર હોવાની ગુપ્ત માહિતીને આધારે સુરક્ષા જવાનોએ આ કાર્યવાહી ચાલુ કરી હતી. ડીઆરજીની પેટ્રોલિંગ ટીમ પોમરાના જંગલમાં હતી ત્યારે ફાયરિંગ ચાલુ થયું હતું.
આઈજીએ જણાવ્યું હતું કે, આમને સામને ગોળીબાર પૂરા થયા પછી બે મહિલાઓ સહિત ચાર માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઉપરાંત એક .303 રાઈફલ અને 315 બોરની રાઈફલ સહિતના શસ્ત્રો મળી આવ્યા હતા.માર્યા ગયેલા માઓવાદીઓની ઓળખ હજુ સુધી મળી શકી ન હતી.