ગુજરાતમાં ચૂંટણીપ્રચારમાં ભાજપના નેતા અને આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા મંગળવારે એક ચૂંટણીસભામાં ઈરાકના ભૂતપૂર્વ સરમુખત્યાર સદ્દામ હુસૈનનો એક નવો જ મુદ્દો લઈ આવ્યા હતા. અમદાવાદમાં ચૂંટણીસભામાં હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઈરાકના ભૂતપૂર્વ સરમુખત્યાર સદ્દામ હુસૈન જેવા દેખાઈ રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ દાઢી વધારી છે અને તેમનો લૂક બદલાઈ ગયો છે.
સરમાએ કહ્યું હતું કે “મેં હમણાં જ જોયું કે તેમનો લુક પણ બદલાઈ ગયો છે. મેં થોડા દિવસ પહેલા એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના નવા લૂકમાં કંઈ ખોટું નથી. પરંતુ જો તમારે બદલાવ કરવો હોય તો ઓછામાં ઓછું તેને સરદાર વલ્લભભાઈ પટેલ જેવો બનાવો કે જવાહરલાલ નેહરુ જેવો બનાવો,. ગાંધીજી જેવો દેખાય તો સારું. પણ તમારો ચહેરો સદ્દામ હુસૈન જેવો કેમ થઈ રહ્યો છે?”તેનું કારણ એ કે કોંગ્રેસ કલ્ચર ભારતીય લોકોની નજીક નથી. તેમની સંસ્કૃતિ એવા લોકોની નજીક છે જેઓ ભારતને ક્યારેય સમજી શક્યા નથી.
સરમાના આ નિવેદનની કોંગ્રેસના નેતાઓ આકરી ટીકા કરી હતી. કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઈન્ચાર્જ કોમ્યુનિકેશન્સ જયરામ રમેશે ટ્વીટમાં કહ્યું, “આ ખરેખર દયનીય છે કે રાહુલ ગાંધીની દાઢી પર અસમના મુખ્યમંત્રીની ઘૃણાસ્પદ અને તદ્દન અસ્વીકાર્ય ટિપ્પણીઓ પર આજે ઘણી ટીવી ચેનલોએ ચર્ચાઓ કરી હતી. આ ભારત જોડો યાત્રાને તુચ્છ બનાવે છે.”