પ્રભાસની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ની રિલીઝ પહેલાં જ વિવાદ સર્જાયો છે. ભગવાન હનુમાન અને રાવણ જેવા પાત્રોનું ખોટી રીતે નિરુપણ થયું હોવાનું લાગતાં ફિલ્મને નેટિઝન્સે ખૂબ જ ટ્રોલ કરી છે. આદિપુરુષ માટે બોયકોટ ટ્રેન્ડ શરૂ થતાં જ ફિલ્મ નિર્માતાઓ ચિંતિત છે અને તેમણે વીએફએક્સમાં ફેરફાર શરૂ કર્યો છે. ફિલ્મમાં રાવણની દાઢી દૂર કરવાથી લઇને ભગવાન હનુમાનના દેખાવમાં ફેરફાર કરવા માટે વીએફએક્સની મદદ લેવાશે અને તેના માટે રૂ. ૩૦ કરોડનો ખર્ચ થશે.
કહેવાય છે કે, ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉતે ડિજિટલ ટેકનોલોજીની મદદથી રાવણનો રોલ કરી રહેલા સૈફની દાઢી દૂર કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ ખૂબ સારી બની હોવાનું તેઓ માને છે, પરંતુ વીએફએક્સ દર્શકોને પસંદ નહીં હોવાથી તેઓ સોશિયલ મીડિયા પર નારાજગી દર્શાવી રહ્યા છે. અગાઉ આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા અને રણબીરની ફિલ્મ શમશેરાના કિસ્સામાં બોયકોટ ટ્રેન્ડની અસર અનુભવી ચૂકેલા નિર્માતા હવે કોઈ જોખમ લેવા ઇચ્છતા નથી.
આદિપુરુષની રિલીઝ પહેલા જ ટીકાઓનો વરસાદ શરૂ થયો હતો, જેના પગલે ફિલ્મની રિલીઝ ૧૨ જાન્યુઆરીના બદલે ૧૬ જૂને કરવાનો નિર્ણય લેવાયો હતો.
ફિલ્મમાં કેટલાક ફેરફારો માટે રિલીઝ ડેટ પોસ્ટપોન થઈ હોવાનું સત્તાવાર રીતે જણાવાયુ હતું. ધાર્મિક લાગણીઓનું સન્માન જાળવવા માટે દિગ્દર્શક ઓમ રાઉતે જણાવ્યું હતું કે, આ ફિલ્મ એ પ્રભુ શ્રી રામ અને આપણી સંસ્કૃતિ-ઈતિહાસ પરત્વે પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઓડિયન્સને વિઝ્યુઅલ એક્સપિરિયન્સ આપવા માટે ફિલ્મની ટીમને વધારે સમયની જરૂરિયાત છે. તેથી આદિપુરુષને આવતા વર્ષે 16 જુનના રોજ રિલીઝ કરાશે. દેશને ગર્વ થાય તેવી ફિલ્મ બનાવવી છે. આદિપુરુષમાં મા જાનકીનો રોલ ક્રિતી સેનન અને પ્રભુ રામનો રોલ પ્રભાસ કરી રહ્યા છે. રાવણના રોલ માટે સૈફ અલી ખાન અને લક્ષ્મણ તરીકે સની સિંહની પસંદગી થઈ છે.