Gujarat Elections: Thousands of NRIS from around the world for Homeland
(Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે માત્ર રાજ્યના લોકો જ નહીં, પરંતુ બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ) અને ખાસ કરીને ગુજરાતીઓ તેમના મનપસંદ નેતા અને પક્ષને મત આપવા માટે એટલા જ ઉત્સાહિત છે. વિશ્વભરમાંથી 25,000થી વધુ એનઆરઆઇ ગુજરાતમાં આવે તેવો અંદાજ છે.

ફોરેન કોન્ટેક્ટ ડિપાર્ટમેન્ટના કન્વીનર દિગંત સોમપુરાએ ન્યૂ એજન્સી ANIને જણાવ્યું હતું કે, “ભારતમાં ચૂંટણી યોજાવાની હોય છે, ત્યારે વિશ્વભરના લોકોની નજર તેના પર હોય છે. ખાસ કરીને ગુજરાતમાં ચૂંટણી હોય ત્યારે PM મોદીના કનેક્શનને કારણે ઉત્તેજના અને ઉત્સુકતા વધે છે.”

આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ની એન્ટ્રી અને ત્રિકોણીય જંગથી લોકોમાં ગુજરાતની ચૂંટણી અંગે વધુ ઉત્સુકતા છે.વિશ્વભરના ગુજરાતીઓ તેમના માદરે વતન સાથે વિશેષ જોડાણ ધરાવે છે અને તેઓ નિયમિતપણે તેમના ગામડાઓમાં શાળાઓ, પુસ્તકાલયો અને અન્ય વિકાસ કાર્યોના નિર્માણ માટે દાન આપે છે અને તેથી તેઓ તેમના સાથી ગ્રામજનોમાં આદર અને વિશિષ્ટ સ્થાન મેળવે છે. આનો ઉપયોગ કરીને બિન-નિવાસી ગુજરાતીઓ રાજ્યમાં પ્રચાર કરશે અને તેમના ગ્રામજનોને ભાજપ માટે મહત્તમ સંખ્યામાં મતદાન કરવા કહેશે.

સોમપુરાએ દાવો કર્યો હતો કે “અમેરિકામાં આશરે 20 લાખ ભારતીયો વસે છે, જેમાંથી લગભગ 11-12 લાખ ગુજરાતીઓ છે. યુએસએમાં આ તમામ ગુજરાતીઓ તેમના ગૃહ રાજ્ય સાથે વિશેષ જોડાણ ધરાવે છે અને તેથી વધુને વધુ લોકો અહીં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક અંદાજ મુજબ અહીં પ્રચાર માટે આવનાર NRIની સંખ્યા 25,000 હશે.”

યુએસએમાં બીજેપીના રાષ્ટ્રીય સંગઠન સચિવ ડૉ. વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે, “અમારી પાસે પીએમ નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ છે, જેઓ જાણે છે કે એનઆરઆઈની શક્તિ અને સમર્થન શું છે. 32 એનઆરઆઈ ન્યૂઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયાથી અહીં ગુજરાતમાં આવી ચૂક્યા છે અને વધુ લોકો આગામી દિવસોમાં ફિજી, કેનેડા, યુએસએ અને અન્ય દેશોમાંથી ઉતરશે.”

ભારતની નાગરિકતા છોડી દીધી છે તેવા NRI ભારતમાં મતદાન કરી શકતા નથી, તેમ છતાં, તેઓ વિચારે છે કે તેઓ તેમના દેશના ઋણી છે અને તેથી તેઓ ચૂંટણી દરમિયાન પ્રચાર કરવા માટે તેમના કામ અને વ્યવસાયમાંથી બ્રેક લઈને પોતાના ખર્ચે અહીંની મુલાકાત લે છે.

ડૉ. વાસુદેવ પટેલે ઉમેર્યું હતું કે “નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા પછી, દેશમાં વિકાસ આકાશને આંબી રહ્યો છે અને તેથી અમે અમારા ગામડાઓમાં લોકોને ભાજપને મત આપવા માટે અહીં આવ્યા છીએ.”

પ્રચારની વ્યૂહરચના અંગે ડૉ. વાસુદેવે કહ્યું, “અમે પ્રચાર માટે બે વ્યૂહરચનાઓને અનુસરીએ છીએ, એક ગ્રાઉન્ડ કેમ્પેઈનિંગ જ્યાં એનઆરઆઈનું કામ ઓન-ગ્રાઉન્ડ હોય છે, જ્યાં તેઓ જુદા જુદા ગામોમાં પ્રચાર કરે છે અને બીજું ઓનલાઈન પ્રચાર કરે છે. ઓનલાઇન કેમ્પેઇનમાં તેઓ તેમના સંબંધીઓ, ગ્રામજનો, પડોશીઓને ફોન કરીને પ્રચાર કરે છે અને તેમને જણાવે છે કે તેઓએ ભાજપને કેમ મત આપવો જોઈએ. તેઓ તેના પર ઑનલાઇન વીડિયો પણ બનાવે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે.”

વિદેશમાં ભાજપ વિચારધારાનો વિસ્તાર અને સમર્થન કરતું ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ બીજેપી સંગઠન કાર્યરત છે. આ સંગઠનના સભ્યો અને સમર્થકો ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત આવી રહ્યા છે. વળી આ ચૂંટણી ડિસેમ્બરમાં થવાની હોવાથી અમેરિકાથી આશરે 1 લાખથી વધુ લોકો ભારત આવવાના હોવાના અહેવાલ છે. અમેરિકાના લોસ એન્જલસના અગ્રણી ઉદ્યોગકાર અને લેબોન હોસ્પિટલિટી ગ્રુપના ચેરમેન યોગી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની આ ચૂંટણીમાં તેઓ અને તેમના ગ્રુપના સભ્યો દક્ષિણ ગુજરાત અને ચરોતર પ્રદેશમાં પ્રચાર માટે આવવાના છે. તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ વિદેશમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતીજનોનો પ્રભાવ ખૂબ વધ્યો છે. વિદેશમાં ભારતીયોનો વેપાર કરવો પણ સરળ બન્યો છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની છે. તેમજ વ્યાપાર ઉધોગ સહિત ગ્રામ્ય કક્ષાએ પણ થયેલા વિકાસ અભૂતપૂર્વ જણાઈ રહ્યો છે. અમે 2000થી વધુ લોકો આવતા અઠવાડિયે ગુજરાત પ્રચાર અર્થે આવવાના છે. યોગી પટેલ ઈન્ડોકલ્ચરલ સોસાયટી ઓફ નોર્ધન અમેરિકાના પ્રમુખ હોવા ઉપરાંત રિપબ્લિક પાર્ટીમાં પણ વર્ચસ્વ ધરાવે છે.

LEAVE A REPLY