ગુજરાત હાઇકોર્ટના જજના ટ્રાન્સફરના મુદ્દે હાઇકોર્ટના વકીલો હડતાલ પર ઉતર્યા હતા. દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) ધનંજય વાય ચંદ્રચુડ જજ ટ્રાન્સફરના મુદ્દે હડતાળ પર ઉતરેલા ગુજરાત હાઈકોર્ટના વકીલોને મળવા સંમત થયા હતા. તેમણે શનિવારે જણાવ્યું હતું કે હડતાલને કારણે “ન્યાયના ઉપભોક્તાઓ” પીડાય છે. ગુજરાત હાઇકોર્ટના જજ નિખિલ કારેલની સૂચિત ટ્રાન્સફર અંગે ગુજરાત બારના પ્રતિનિધિઓ સોમવારે CJIને મળે તેવી શક્યતા છે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા આયોજિત સન્માન સમારોહમાં ચીફ જસ્ટિસે ન્યાયિક નિમણૂકોની કોલેજિયમ પ્રણાલીને સમર્થન આપતા કહ્યું કે તે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને વહીવટી નિર્ણયો લે છે. બીજી તરફ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કાયદા પ્રધાન કિરણ રિજિજુએ હડતાલ પર ઉતરેલા વકીલોની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “તે એક વ્યક્તિગત મુદ્દો હોઈ શકે છે, પરંતુ જો સરકારના સમર્થન સાથેની કોલેજિયમના દરેક નિર્ણય માટે વારંવાર આવું બને તો તે ક્યાં લઈ જશે? સમગ્ર પરિમાણ બદલાઈ જશે.”
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા સામે લાંબા સમયથી સવાલ થઈ રહ્યાં છે. કેટલાક લોકો તેને પારદર્શક ન હોવાનું કહે છે, કારણ કે ન્યાયાધીશો અંદરો અંદર નિર્ણય કરે છે. અગાઉ કિરણ રિજિજુએ પણ કહ્યું હતું કે કોલેજિયમ સિસ્ટમ પર પુનર્વિચાર કરવાની જરૂર છે.
આ પ્રક્રિયામાં સરકારની ભૂમિકા ન્યૂનતમ છે. જો કોઈ વકીલને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે બઢતી આપવી હોય તો ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ની તપાસ પૂરતી સરકારની મર્યાદિત ભૂમિકા છે. કોલેજિયમની પસંદગીઓ અંગે સરકાર સ્પષ્ટતા માંગી શકે છે, પરંતુ જો કોલેજિયમ એ જ નામોનું પુનરાવર્તન કરે છે, તો સરકાર તેમને ન્યાયાધીશો તરીકે નિયુક્ત કરવા બંધાયેલી છે.
ન્યાયાધીશ ચંદ્રચુડને ગયા અઠવાડિયે ચીફ જસ્ટિસ બન્યા છે અને 16 નવેમ્બરે પ્રથમ કોલેજિયમ મીટિંગનું નેતૃત્વ કર્યું હતું. આ બેઠકમાં વહીવટી કારણોસર મદ્રાસ, ગુજરાત અને તેલંગાણામાંથી એક-એક એમ ત્રણ હાઇકોર્ટ જજના ટ્રાન્સફરનો નિર્ણય કરાયો હતો.
પાંચ સભ્યોના કોલેજિયમે મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ટી રાજાને રાજસ્થાન હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ નિખિલ એસ કારેલ અને તેલંગણા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એ અભિષેક રેડ્ડીને પટના હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની દરખાસ્ત કરી હતી.
આ ટ્રાન્સફરને પગલે વકીલો હડતાલ ઉતર્યા છે. CJI ટ્રાન્સફર દરખાસ્તની પર ચર્ચા કરવા માટે ગુજરાત બારના પ્રતિનિધિમંડળને મળવા માટે સંમત થયા છે. કાયદા પ્રધાને કહ્યું કે આવા વારંવારના સંઘર્ષ ચિંતાજનક છે અને તમામ પક્ષકારોએ નક્કી કરવું જોઈએ કે ન્યાયતંત્ર માટે શું સારું છે.