ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતના નિરાશાજનક દેખાવ અને પરાજય પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ આખી સિલેક્શન કમિટીને જ ઘરભેગી કરી દીધી હતી. ચેતન શર્માના વડપણ હેઠળની સિલેક્શન કમિટીના કાર્યકાળ ટી20 વર્લ્ડ કપમાં નિરાશા ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડ સામે ભારતનો નિરાશાજન રીતે પરાજય થયો હતો.
ચેતન શર્મા (ઉત્તર ઝોન), હરવિંદર સિંઘ (મધ્ય ઝોન), સુનિલ જોશી (દક્ષિણ ઝોન) અને દેબાશિષ મોહંતી (પૂર્વ ઝોન)નો રાષ્ટ્રીય પસંદગીકારો તરીકેનો સૌથી ટૂંકો કાર્યકાળ રહ્યો, કેમ કે કેટલાક સીલેકટર્સની તો નિમણૂક જ 2020માં જ્યારે કેટલાકની 2021માં નિમણુંક કરાઈ હતી. સામાન્ય રીતે એક સીલેક્ટરનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે, જરૂર પડ્યે તે લંબાવવામાં પણ આવતો હોય છે. ગયા સપ્તાહે કમિટી વિખેરી નાખ્યા પછી ક્રિકેટ બોર્ડે નવા સીલેકટર્સની નિમણુંક માટે ઈચ્છુકો પાસેથી અરજીઓ મંગાવી છે.