પાકિસ્તાન અને ચીન પર ગર્ભિત પ્રહાર કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે અમુક દેશો તેમની વિદેશ નીતિના ભાગરૂપે આતંકવાદને સમર્થન આપે છે, જ્યારે કેટલાક દેશો આતંકવાદીઓ સામેની કાર્યવાહીને અવરોધીને આડકતરી રીતે આતંકને પ્રોત્સાહન આપે છે.

ત્રીજી ‘નો મની ફોર ટેરર ​​મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ ઓન કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગ’ને સંબોધિત કરતા વડાપ્રધાને આતંકવાદને સમર્થન કરતા દેશો પર ખર્ચ લાદવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.  ગૃહ મંત્રાલય આ સંમેલનનું આયોજન કરી રહ્યું છે, જેમાં 75થી વધુ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 450 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા નથી, જ્યારે ચીનને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેના પ્રતિનિધિ આવ્યા નથી.

છેલ્લા બે દાયકાઓથી ભારતે વારંવાર લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાન સ્થિત નેતાઓને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 સમિતિની યાદીમાં સામેલ કરવાની માંગ કરી રહ્યું છે પરંતુ કાઉન્સિલના કાયમી સભ્ય તરીકે ચીન દરખાસ્તો સામે વીટો વાપરે છે. પાકિસ્તાન પર ભારતમાં અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં હુમલા કરવા માટે આતંકવાદી સંગઠનોને સમર્થન આપવાનો આરોપ છે.

વડા પ્રધાને કહ્યું કે જે સંગઠનો અને વ્યક્તિઓ આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ પેદા કરવાનો પ્રયાસ કરે છે તેમને પણ અલગ પાડવા જોઈએ.આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ એવું ન વિચારવું જોઈએ કે યુદ્ધની ગેરહાજરીનો અર્થ શાંતિ છે. પ્રોક્સી યુદ્ધો પણ ખતરનાક અને હિંસક છે. આતંકવાદને ટેકો આપતા દેશો પર તેની કિંમત લાદવી જોઈએ.

મોદીએ જણાવ્યું હતું કે અમુક દેશો તેમની વિદેશ નીતિના ભાગ રૂપે આતંકવાદને ટેકો આપે છે અને તેઓ રાજકીય,  વૈચારિક અને નાણાકીય ટેકો આપે છે. આવી બાબતોમાં કોઇ બહાનાબાજી ચાલી શકે નહીં. વિશ્વએ તમામ પ્રકારના છુપા અને દેખિતા આતંક સામે એક થવાની જરૂર છે. તે જાણીતું છે કે આતંકવાદી સંગઠનોને અનેક સ્ત્રોતોમાથી નાણાં મળે છે અને તેમાનો સ્રોત સરકાર સમર્થિત છે.

વડા પ્રધાને કહ્યું હતું કે વર્તમાન સમયમાં આદર્શ રીતે દુનિયાને આતંકવાદના જોખમો વિશે કોઈને યાદ કરાવવાની જરૂર નથી. જો કે, હજુ પણ કેટલાક વર્તુળોમાં આતંકવાદ વિશે કેટલીક ખોટી માન્યતાઓ છે. વિવિધ હુમલાઓની પ્રતિક્રિયાની તીવ્રતા તે ક્યાં થાય છે તેના આધારે બદલાઈ શકે નહીં. તમામ આતંકવાદી હુમલાઓ એકસમાન આક્રોશ અને કાર્યવાહીને પાત્ર છે. કેટલીક વાર આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીને રોકવા માટે આતંકવાદના સમર્થનમાં પરોક્ષ દલીલો કરવામાં આવે છે.

વૈશ્વિક જોખમનો સામનો કરવા અસ્પષ્ટ અભિગમને કોઇ સ્થાન ન હોવું જોઇએ તેના પર ભાર મૂકતા મોદીએ જણાવ્યું હતું કે “તે માનવતા, સ્વતંત્રતા અને સભ્યતા પર હુમલો છે. આતંકવાદ કોઈ સીમાઓને જાણતો નથી. માત્ર એકસમાન, સંયુક્ત અને ઝીરો ટોલેરન્સ અભિગમ જ આતંકવાદને હરાવી શકે છે. તે નોંધપાત્ર છે કે આ કોન્ફરન્સ ભારતમાં થઈ રહી છે. વિશ્વ દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવે તે પહેલાં ભારતે આતંકવાદની ભયાનકતાનો સામનો કર્યો છે.

મોદીએ કહ્યું હતું કે “દશકોથી અલગ-અલગ નામ અને સ્વરૂપોમૈ આતંકવાદે ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. અમે હજારો કિંમતી જીવ ગુમાવ્યા છે, પરંતુ અમે આતંકવાદનો બહાદુરીથી સામનો કર્યો છે.”

મોદીએ કહ્યું કે પ્રતિનિધિઓને એવા દેશ અને લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળે છે જેઓ આતંકવાદનો સામનો કરવામાં અડગ રહ્યા છે. અમે માનીએ છીએ કે એક હુમલો પણ ઘણો વધારે છે. એક વ્યક્તિના જીવ ગુમાવવાની ઘટનાને પણ અમે અનેક લોકોના જીવ ગુમાવવા જેવી ગણીએ છીએ. આતંકવાદ જડમૂળથી નાબૂદ ન થાય ત્યાં સુધી અમે જંપીને બેસીશું નહીં.

મોદીએ કહ્યું હતું કે આતંકવાદને જડમૂળથી દૂર કરવા મોટા સક્રિય પ્રતિસાદની જરૂર છે. નાગરિકોને સુરક્ષિત બનાવવા માટે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં આતંક ન આવે ત્યાં સુધી રાહ જોઇ શકે નહીં.આપણે આતંકવાદીઓનો પીછો કરવો જોઈએ, તેમના સમર્થન નેટવર્કને તોડવું જોઈએ અને તેમના ફાઇનાન્સને ફટકો મારવો પડશે.

LEAVE A REPLY