ભારત સરકારે દેશના સ્ટીલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને નિકાસને વેગ આપવા માટે શનિવારથી સ્ટીલ પ્રોડક્ટસ અને આયર્ન ઓર પરની નિકાસ જકાતમાં ઘટાડો કર્યો છે. આ ઉપરાંત સ્ટીલ ઉદ્યોગમાં કાચા માલ તરીકે વપરાતા એન્થ્રાસાઇટ, કોકિંગ કોલ અને ફેરોનિકલ પરની આયાત જકાતમાં વધારો કર્યો છે. નાણા મંત્રાલયે શુક્રવારે રાત્રે એક નોટિફિકેશન મારફત આ જાહેરાત કરી હતી.
અગાઉ મે મહિનામાં સ્ટીલના ભાવમાં તીવ્ર વધારાને પગલે નિકાસ જકાતમાં વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્ટીલ ઉત્પાદનમાં કાચા માલ અને ફિનિશ્ડ સ્ટીલ બંનેની ઉપલબ્ધતા વધારવા માટે તેની નિકાસ જકાતમાં ઘટાડો કરાયો હતો.
શનિવારથી અસર સ્પેશિફાઇડ પિગ આયર્ન અને સ્ટીલ પ્રોડક્ટ્સ તેમજ આયર્ન ઓર પેલેટ્સની નિકાસ પર શુન્ય નિકાસ ડ્યુટી થશે. ઉપરાંત 58 ટકાથી ઓછા આયર્ન સાથેના આયર્ન ઓર લમ્પ્સ અને ફાઇન્સની નિકાસ જકાત શૂન્ય રહેશે. 58 ટકાથી વધુ આયર્ન સાથેના આયર્ન ઓર લમ્પ્સ અને સાથે ફાઇન્સના કિસ્સામાં ડ્યુટીનો દર 30 ટકા રહેશે.
નોટિફિકેશન જણાવ્યા મુજબ એન્થ્રાસાઇટ/પીસીઆઈ, કોકિંગ કોલ અને ફેરોનિકલ પર આયાત ડ્યૂટી વધારીને 2.5 ટકા કરવામાં આવી છે, જ્યારે કોક અને સેમી-કોક માટે ડ્યૂટી શુન્યથ વધારીને 5 ટકા કરવામાં આવી છે.
આ સપ્તાહની શરૂઆતમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની બેઠક બાદ
ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ બેઠકમાં નિયુક્ત મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અગાઉ નાણા મંત્રાલયે મે મહિનામાં પિગ આયર્ન અને સ્ટીલ પ્રોડક્ટ્સ પરની નિકાસ જકાત શુન્યથી વધારીને 15 ટકા કરી હતી. તેનો હેતુ નિકાસમાં ઘટાડો કરવાની અને સ્થાનિક ઉપલબ્ધતામાં વધારો કરવાનો હતો. આયર્ન ઓર અને કોન્સેન્ટ્રેટ્સની નિકાસ પરનો ટેક્સ 30 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવ્યો હતો, જ્યારે આયર્ન પેલેટ્સ પર 45 ટકા ડ્યૂટી લાદવામાં આવી હતી.ઊંચી ડ્યૂટીને પરત ખેંચી લેવાની માગણી કરતાં સ્ટીલ ઇન્ડસ્ટ્રીએ જણાવ્યું હતું કે ઘરેલુ ઉત્પાદન માટે ઘરેલુ માગ પૂરતી નથી, તેથી નિકાસને પ્રોત્સાહન આપવું જોઇએ.