વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓલ-રાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવનાર કેરોન પોલાર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી બુધવારે નિવૃત્તિ જાહેર કરી હતી. પોલાર્ડ 13 સિઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલો રહ્યો હતો. જોકે હવે પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના બેટિંગ કોચ તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે.
બિલિયોનેર મુકેશ અંબાણીની માલિકીની મુંબઈ ઈન્ડિયન્સ ટીમે પોલાર્ડને 2010માં ખરીદ્યો હતો. પોલાર્ડ ટીમને પાંચ આઈપીએલ ટાઈટલ તથા બે ચેમ્પિયન્સ લીગ ટાઈટલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પોલાર્ડ 100થી વધારે આઈપીએલ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં પણ સામેલ છે. પોલાર્ડ માટે ગઇ સિઝન સારી રહી ન હતી. ગત આઈપીએલમાં પોલાર્ડ 11 મેચમાં 14.40ની સરેરાશ અને 107.46ની નબળી સ્ટ્રાઈક રેટ સાથે 144 રન જ નોંધાવી શક્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સની અખબારી યાદી મુજબ પોલાર્ડે જણાવ્યું હતું કે જો હું મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો નથી તો હું મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ પણ રમી શકું નહીં. છેલ્લી 13 સિઝનથી હું આઈપીએલની સૌથી મોટી અને સૌથી સફળ ટીમ માટે રમી રહ્યો છું તેનો મને ગર્વ છે અને હું નસીબદાર છું કે મને આવી ટીમ સાથે રમવાની તક મળી. મને ભરપૂર પ્રેમ, સહકાર અને સન્માન આપવા બદલ હું મુકેશ, નીતા અને આકાશ અંબાણીનો હ્રદયથી આભાર માનું છું.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, ત્રીજી સિઝનથી અમારું સૂત્ર છે – ખેલેંગે દિલ ખોલ કે! અને પોલાર્ડે આ સૂત્રને સાકાર કરી દેખાડ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સની સફળતામાં પોલાર્ડનું ઘણું મોટું યોગદાન રહ્યું છે. તે અમારી બંને ચેમ્પિયન્સ લીગ ટ્રોફી અને પાંચ આઈપીએલ ટ્રોફી વિજયનો ભાગ રહ્યો છે. મેદાનમાં અમને તેના મેજિકની ખોટ સાલશે, પરંતુ મને ખુશી છે કે તે મુંબઈ માટે રમતો રહેશે અને મુંબઈના બેટિંગ કોચ તરીકે યુવાન ખેલાડીઓને તૈયાર કરતો રહેશે. હું તેને શુભેચ્છાઓ પાઠવું છું.