Autumn Statement prioritizes the poor
રિશી સુનક (ફાઇલ ફોટો) (Photo by Dan Kitwood/Getty Images)

પરિવારોને £1,100 સુધીની સહાય, મિનિમમ પગાર પ્રતિ કલાક £10.40 થવાની ધારણા

ફુગાવો, વ્યાજના દરોમાં વધારો અને મોંઘવારીના કારણે આમ જનતાનું જીવન દોહ્યલું બની રહ્યું છે ત્યારે વડા પ્રધાન ઋષિ સુનકે ગુરૂવાર તા. 17ના રોજ જાહેર થનારા ઓટમ સ્ટેટમેન્ટમાં ગરીબોને પ્રાથમિકતા આપવાનો નિર્ધાર કર્યો છે. સરકાર 8 મિલિયન ઘરોમાં રહેતા લોકોને £1,100 સુધીની સહાય આપવાની અને નેશનલ લિવિંગ વેજમાં એટલે કે પ્રતિ કલાક પગારનો દર લગભગ 10 ટકા વધારીને £10.40 જેટલો કરશે. ઋષિ સુનક લાખો દેશવાસીઓને મદદ કરવાના હેતુ સાથે બેનીફિટના દર અને પેન્શનમાં પણ વધારો કરે તેવું લાગી રહ્યું છે. સુનકે ‘પેન્શનરો હંમેશા મારા મનમાં મોખરે રહેશે’ એવા ઉદગાર સાથે સંકેત આપ્યો છે કે સરકાર ટ્રિપલ લોક અમલમાં મૂકશે જેને કારણે ફૂગાવાનો દર અથવા કમાણી વધવાની સાથે વૃધ્ધોને મળતા સ્ટેટ પેન્શનની રકમમાં પણ વધારો થશે.

સરકારની નવી યોજનાઓ હેઠળ ખર્ચ વધતા લાખો પરિવારોનો કાઉન્સિલ ટેક્સ પ્રથમ વખત £2,000થી ઉપર થશે તેમ જણાઇ રહ્યું છે તો બીજી તરફ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ગયા મહિને કંપનીઓની નાદારીમાં 38 ટકાનો વધારો થયો હતો. વડા પ્રધાન સુનકે સૌથી ગરીબ લોકોને સહાય આપવાની પ્રાથમિકતા દર્શાવી છે અને તે માટે 2.5 મિલિયન લોકોનું એક કલાકનું વેતન £9.50થી વધારીને લગભગ £10.40 પ્રતિ કલાક અથવા તેથી વધુ કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત સરકાર યુનિવર્સલ ક્રેડીટની રકમમાં વધારો કરવા સાથે કેટલાક પરિવારોને ત્રણ વધારાના નાણાંકીય પ્રોત્સાહનો આપશે તેવી અપેક્ષા છે. તેમાં પરિવારોને £650, વિકલાંગોને £150 અને સૌથી ગરીબ પેન્શનરોને £300ની સહાય કરશે. તેનો અર્થ એ છે કે કેટલાક ઘરોને આ વિન્ટરમાં કુલ £1,100ની ચૂકવણી થઇ શકે છે. વધી રહેલી ખોરાક અને એનર્જી કોસ્ટને આવરી લેવા માટે ઘણા પરિવારોને સપ્ટેમ્બરથી જ આ રકમ ચૂકવવામાં આવે છે.
વડા પ્રધાન સુનકે બાલીમાં જી-20 સમીટમાં કહ્યું હતું કે ‘’હું પેન્શનરોના ખાસ પડકારને સમજુ છું અને તેઓ હંમેશા મારા મનમાં મોખરે રહેશે. નાણાકીય નિવેદનના દિવસો પહેલા હું કોઈપણ નિર્ણયો પર ટીપ્પણી કરી શકતો નથી. પરંતુ અમે જે પણ નિર્ણયો લઈએ છીએ તેના હૃદયમાં અમે ન્યાય અને કરુણા રાખીશું. મને વિશ્વાસ છે કે લોકો તે ગુરુવારે જોશે.’’

2010માં રજૂ કરાયેલ ટ્રિપલ લોક ચાલુ રાખવામાં આવશે જે બાંયધરી આપે છે કે સ્ટેટ પેન્શન મોંઘવારી, કમાણી અથવા 2.5 ટકામાંથી જે સૌથી વધુ હશે તે પ્રમાણે વધશે. સરકાર વેતનને અનુરૂપ – લગભગ 5.5 ટકાના દરે પેન્શન વધારશે તો પણ 10 ટકાનો ફૂગાવા હોવા છતાં દર વર્ષે આશરે £4.5 બિલિયન બચાવી શકે છે.

વરિષ્ઠ કન્ઝર્વેટિવ નેતાઓએ ચેતવણી આપી છે કે ટ્રિપલ લોક છોડી દેવાથી પેન્શનરો તેને વિશ્વાસઘાત તરીકે જોશે અને તે જોતાં તે ‘રાજકીય આપઘાત’ બની શકે છે. 2019ના ટોરી મેનિફેસ્ટોમાં પણ તેને પાંચ વર્ષ એટલે કે ભાવિ સંસદના અંત સુધી ચાલુ રાખવાનું વચન અપાયું હતું. જો કે કોવિડ-19 રોગચાળા પછી સરેરાશ વેતનમાં અસાધારણ વધારો થવાને કારણે સુનકે આ વર્ષે તે સ્થગિત કરી દેતા પેન્શનરોને માત્ર 3.1 ટકાનો વધારો મળ્યો હતો. સંરક્ષણ બજેટ રોકડની દ્રષ્ટિએ વધીને 2023માં £48 બિલિયન અને 2024માં £48.6 બિલિયન થવાની ધારણા છે.

LEAVE A REPLY