‘ભારત જોડો યાત્રા’ના 68મા દિવસે મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં જાહેર સભા સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યો હતો કે સશસ્ત્ર દળો માટે ‘અગ્નિપથ’ ભરતી યોજના, નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) જેવી નીતિઓનો હેતુ દેશના લોકોમાં ભય પેદા કરવાનો છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન ‘મેડ ઇન ચાઇના’ પ્રોડક્ટ્સ ઇચ્છે છે, કારણ કે તેનાથી દેશના બે-ત્રણ અબજોપતિને ફાયદો થશે. કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદીજી શું કરી રહ્યા છે? ભાજપ ભય, હિંસા અને નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. નોટબંધી હોય, અગ્નિવીર હોય કે જીએસટી હોય, તેમની તમામ નીતિઓ લોકોમાં ડર પેદા કરે છે. ભયભીત હોય તેવા લોકોના હૃદયમાં નફરત હોય છે, જે સમાજને વિભાજન તરફ લઈ જાય છે અને પછી કહે છે કે તે દેશભક્ત છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રહાર કરતાં રાહુલે કટાક્ષ કર્યો હતો કે “ખેડૂતોની લોન માફ ન કરવી એ દેશભક્તિ છે, ખોટો GST લાગુ કરવો એ દેશભક્તિ છે, દેશમાં નફરત ફેલાવવી એ દેશભક્તિ છે, ત્રણ કૃષિ કાયદા લાવવા તે દેશભક્તિ છે, બેરોજગારી દેશભક્તિ છે અને મોંઘવારી એ દેશભક્તિ છે. આ ભારતની દેશભક્તિ નથી. પરંતુ આ આરએસએસની દેશભક્તિ છે.
અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે ભારતના પ્રથમ વડા પ્રધાનની જન્મજયંતિ નિમિત્તે પંડિત જવાહરલાલ નેહરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ની 600 નકલો વહેંચવામાં આવશે.’ભારત જોડો યાત્રા’ 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. આ યાત્રા અત્યાર સુધીમાં છ રાજ્યોના 28 જિલ્લામાંથી પસાર થઈ છે. 20 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશતા પહેલા આ યાત્રા મહારાષ્ટ્રના પાંચ જિલ્લાના લોકોનો સંપર્ક કરીને 382 કિલોમીટરનું અંતર કાપશે.