કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ગુંદાલામા સોમવારે નર્મદા કેનાલમાં ત્રણ મહિલા સહિત એક પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.કેનાલમાં ડુબી રહેલી મહિલાને બચાવવા જતાં પાંચ લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસને બનાવની જાણ થતાં તમામના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને મૃત જાહેર કરાયા બાદ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ કેસની સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. 

કચ્છ પશ્ચિમના એસપી સૌરભ સિંહે જણાવ્યું હતું કે મુન્દ્રાના ગુંદાળા ગામે નર્મદા કેનાલમાં પરિવારના પાંચ સભ્યો ડૂબી ગયા હતા. પોલીસે તમામ મૃતદેહોને બહાર કાઢ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે પરિવારના સભ્યો પાણી લાવવા દરમિયાન કેનાલમાં લપસી ગયેલી એક મહિલાને બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યા હતા.” 

બનાવની જાણ થતાં પરિવારના અન્ય સભ્યો હોસ્પિટલ દોડી ગયા હતા અને તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ગુંદાળા ગામના દેવીપુજક પરિવારના પાંચ સભ્યો કેનાલમાં પડી જવાથી મૃત્યુ પામ્યાના ખબરથી વ્યથિત છું. મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને આ ગરીબ પરિવાર માટે તાત્કાલિક પુરતી વળતરની વ્યવસ્થા કરવા વિનંતી. મૃતકના કુટુંબીજનો સાથે મારી સંવેદનાઓ છે. મીડિયા અહેવાલ મુજબ મૃતકોમાં રાજેશ ખીમજી, કલ્યાણ દામજી, હીરાબેન કલ્યાણ, રસિલા દામજી અને સવિતાબેનનો સમાવેશ થાય છે. 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments