યુગાન્ડાથી યુકે આવેલા બ્રિટિશ-એશિયનોના આગમનની 50મી વર્ષગાંઠ નિમિત્તે બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા બકિંગહામ પેલેસ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કિંગ ચાર્લ્સ III 450 જેટલા અતિથિઓ સાથે જોડાયા હતા.
4 ઓગસ્ટ 1972ના રોજ, યુગાન્ડાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ ઈદી અમીને લગભગ 60,
000 યુગાન્ડન એશિયનોને દેશ છોડવા માટે 90 દિવસની નોટિસ આપી હતી. તેમાંથી લગભગ અડધા યુકેમાં આવી સ્થાયી થયા હતા. યુકે સરકાર દ્વારા આયોજિત પ્રથમ ઈવેક્યુએશન ફ્લાઈટ 193 મુસાફરોને લઈને 18 સપ્ટેમ્બર 1972ના રોજ સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર ઉતરી હતી. દેશભરમાં 16 અસ્થાયી પુનર્વસન અને સ્વાગત શિબિરોની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં 70 થી વધુ સ્વૈચ્છિક ક્ષેત્રની સંસ્થાઓએ સ્થળાંતર કરનાર લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડી હતી. હજારો ખાનગી વ્યક્તિઓએ પણ સ્વૈચ્છિક રીતે ગરમ કપડાં આપવાની, બાળકો માટેની પ્રવૃત્તિઓ, અંગ્રેજી ભાષા શીખવવા અને અન્ય સહાય પૂરી પાડી હતી. આ પ્રયાસોનું સંકલન હોમ ઑફિસ દ્વારા ખાસ રચાયેલ સંસ્થા યુગાન્ડા રિસેટલમેન્ટ બોર્ડ દ્વારા કરાયું હતું.
આ સમારોહમાં જોનાથન ડિમ્બલબી, જોન સ્નો, એલન ક્રિચલી, સંજીવ ભાસ્કર OBE, બેરોનેસ વાડેરા, બેરોનેસ વર્જિનિયા બોટમલી અને લોર્ડ સેન્તામુએ પોતાના તે વખતના અનુભવો જણાવ્યા હતા.
બ્રિટિશ એશિયન ટ્રસ્ટના અધ્યક્ષ અને યુગાન્ડામાં જન્મેલા તથા 1972માં પરિવાર સાથે યુકે આવેલા લોર્ડ ગઢિયાએ પોતાના સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે ‘’આ મેમોરેશન ઈવેન્ટમાં ઊંડો રસ દાખવવા અને યુકેના સાઉથ એશિયન ડાયસ્પોરા સાથે તેમના સતત જોડાણ માટે અમે મહારાજાના અત્યંત આભારી છીએ. બ્રિટિશ યુગાન્ડન એશિયનોના કાર્યો, તેમની સફળતાની સરાહના શેર કરવાની અને આધુનિક બ્રિટનને આકાર આપવામાં યુગાન્ડાના એશિયનોએ આપેલા યોગદાનને પ્રકાશિત કરવાની આ તક મળતા અમને ગર્વ થાય છે. સૌથી વધુ, અમે બ્રિટિશ જનતા તરફથી અમને મળેલા ઉષ્માભર્યા સ્વાગત માટે અને અમારા જરૂરિયાતના સમયે સ્વૈચ્છિક સંસ્થાઓના અદ્ભુત સમર્થન માટે અમે અમારી શાશ્વત કૃતજ્ઞતા વ્યક્ત કરી શક્યા છીએ.’’
લોર્ડ ગઢીયાએ જણાવ્યું હતું કે ‘’મારા પોતાના પરિવાર સહિત અહીં હાજર ઘણા લોકો તે કરુણ એપિસોડમાંથી જીવ્યા હતા. મને લાગે છે કે જીવનને બદલી નાખતી ઘટનાઓ ગઈકાલે જ ઘટી છે. આજની ઉજવણી 1972માં તે મહત્વપૂર્ણ સમયગાળા પર પાછા લઇ જાય છે. અમે તેને યાદ કરીશું, ફરી જીવીશું અને પ્રતિબિંબિત કરીશું. પ્રમુખ ઈદી અમીને જ્યારે બ્રિટિશ પાસપોર્ટ ધારક એશિયન્સને દેશ છોડવા માટે 90-દિવસની સમયમર્યાદા આપી હતી ત્યારે બે યુવાન બ્રિટિશ પત્રકારો જોનાથન ડિમ્બલબી અને જોન સ્નો આ તકલીફને કવર કરવામાં મોખરે હતા જેમનો મે આભાર માનીએ છે.‘’
પત્રકાર જોન સ્નોએ જણાવ્યું હતું કે ‘’મારું યુગાન્ડા સાથે મજબૂત અંગત જોડાણ છે. એક યુવાન વિદ્યાર્થી તરીકે, હું વોલંટયર ઓવરસીઝ સર્વિસ માટે શિક્ષક તરીકે સેવા આપવા 1967માં નાઈલ નદીના કિનારે આવેલી કમુલી કૉલેજમાં એક વર્ષ રહ્યો હતો અને ભણાવ્યું હતું. 1971માં લશ્કરી બળવા દ્વારા જાતે જ રાષ્ટ્રપતિ બની બેઠેલા ઇદી અમીન યુગાન્ડાની સેનામાં પણ જાતે જ મેજર જનરલ બન્યા હતા. અમીનનું આઠ વર્ષના આતંકી શાસનમાં લગભગ 300,000 યુગાન્ડન નાગરિકોની હત્યા થઇ હતી અને યુગાન્ડામાંથી ઘણા એશિયનોને હાંકી કાઢવામાં આવ્યા હતા. પત્રકાર તરીકે મેં અમીનનો અનેક પ્રસંગોએ ઇન્ટરવ્યુ લીધો હતો, સૌથી વધુ બદનામ 1975માં તત્કાલિન બ્રિટિશ ફોરેન સેક્રેટરી જિમ કલાઘાન બ્રિટિશ લેક્ચરર ડેનિસ હિલ્સનો જીવ બચાવવા યુગાન્ડા ગયા ત્યારનો હતો. અમીને મને સામો પ્રશ્ન પૂછીને કહ્યું હતું કે “હું રાણી એલિઝાબેથને રૂબરૂ મળવવા ઈચ્છું છું. શું તમે તે શક્ય કરી શકશો?” ત્યારે મેં કહ્યું હતું કે “મને ખાતરી નથી કે મહારાણી ઇન્ટરવ્યુ આપે છે, શ્રી પ્રમુખ.” મારા જવાબ બાદ તેમણે કહ્યું હતું કે “તારો દેશ મારા માટે ખૂબ જ ખરાબ રહ્યો છે”.
જોન સ્નોએ પ્લેનમાં અમીન સાથેની મુસાફરી અને તેની જ પિસ્તોલથી તેને ગોળી મારી દેવાની તકનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ‘’મેં વાસ્તવિક ભૌતિક ગરીબી અને વિસ્તૃત પરિવારોની અદભૂત સમૃદ્ધિનો અનુભવ કર્યો હતો જેની ઈંગ્લેન્ડમાં મને ખબર ન હતી. મને અહેસાસ થયો હતો કે અમારા બન્ને પાસે પરસ્પર ઘણું બધું હતું જે તેમની પાસે નહોતું. પણ અમારી એકબીજા પ્રત્યે કેટલીક જવાબદારીઓ હતી. આજે તમારી સાથે વાત કરતી વખતે, મેં જે શાળામાં ભણાવ્યું ત્યાંના અદ્ભુત એશિયન અને આફ્રિકન સાથીદારો અને નજીકના ગામ નમસાગલીમાં આવેલી એશિયન સંચાલિત બે દુકાનો વિશે વિચાર આવે છે. આજે તમારી વચ્ચે હોવું એ સન્માનની વાત છે.’’
લોર્ડ ગઢિયાએ કાર્યક્રમનું સમાપન કરતાં વેસ્ટ એન્ડ ગોસ્પેલ ગાયકનો આભાર માનતાં જણાવ્યું હતું કે ‘’હું બકિંગહામ પેલેસમાં અમારું સ્વાગત કરવા અને આ મહત્વપૂર્ણ વર્ષગાંઠ અમારી સાથે ઉજવવા બદલ કિંગ ચાર્લ્સ IIIનો સામૂહિક આભાર વ્યક્ત કરવા માંગુ છું. આ એક અનોખો પ્રસંગ છે જે આપણામાંથી કોઈ ભૂલી શકશે નહીં. કિંગે તેમના પ્રથમ સંબોધનમાં કહ્યું હતું કે “તમારી પૃષ્ઠભૂમિ અથવા માન્યતાઓ ગમે તે હોય, હું તમારી નિષ્ઠા, આદર અને પ્રેમથી સેવા કરવાનો પ્રયત્ન કરીશ.” આજે કિંગે તે ગૌરવપૂર્ણ પ્રતિજ્ઞાને પરિપૂર્ણ કરવા માટે અત્યંત સમર્પણ દર્શાવ્યું છે. તેમની બ્રિટિશ એશિયન ડાયસ્પોરા અને દક્ષિણ એશિયાના દેશો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું અંગત જોડાણ આપણા બધા માટે ગર્વ અને પ્રેરણાનો સ્ત્રોત છે.
આ પ્રસંગે વિખ્યાત અભિનેતા સંજીવ ભાસ્કરની કવિતા પ્રસ્તુત કરાઇ હતી. આ કાર્યક્રમમાં અન્ય અગ્રણીઓ સાથે ગરવી ગુજરાત – એશિયન મિડીયા ગૃપના ગૃપ મેનેજીંગ એડિટર શ્રી કલ્પેશ સોલંકી અને એક્ઝીક્યુટીવ એડિટર શ્રી શૈલેષ સોલંકી પણ જોડાયા હતા.