What kind of foods should be included in the diet to prevent arthritis

આર્થરાઇટિસ એટલે કે સંધિવા એ ઉંમર વધતાં હાડકાંના સાંધાઓમાં લાગતા ઘસારાને લીધે થતી બીમારી છે. વા ઘણા પ્રકારના છે પરંતુ આજે આપણે અહીં વૃદ્ધાવસ્થામાં વધુ જોવા મળતા સંધિવાની વાત કરીશું. અહીં ઉંમર જતાં હાડકાંનું જ્યાં જોડાણ થાય છે ત્યાં આવેલા લીસા સ્નાયુઓ ( કાર્ટિલેજ)માં ઘસારો લાગે છે જે ઉંમર વધતા વધતો જાય છે અને બે હાડકાં જોડાય ત્યાં સોજો ચડે છે. હાથ – પગ લવચીકતા ગુમાવી સજ્જડ બનતા જાય છે.

આ રોગ મુખ્યત્વે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. જો સંધિવા હાથના સ્નાયુઓમાં થયો હોય તો રોજિંદા કામો સરળતાથી કરી શકવામાં અગવડ પડે છે જ્યારે જો પગના સ્નાયુઓના જોડાણમાં જોવા મળે તો ચાલવામાં મુશ્કેલી થાય છે, ચાલ વાંકીચૂકી બને છે અને કાળક્રમે ઘૂંટણની ગાદી સંપૂર્ણ ઘસાઈ જતાં ઓપરેશનની નોબત આવીને ઊભી રહે છે.ખરું જોતાં, આર્થરાઇટિસ એ સંપૂર્ણપણે સાજો થઈ શકતો નથી પરંતુ તેનાં લક્ષણોમાં જરૂર સુધારો થઇ શકે.

• લસણ

પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે લસણમાં ખૂબ સરસ સેલેનિયમ અને સલ્ફર નામના ખનિજો રહેલાં છે જે સાંધાના સોજા ઉતારવામાં અસરકારક છે. આથી દૈનિક આહારમાં શક્ય એટલા લસણનો ઔષધિ તરીકે ઉપયોગ કરવો. હા, વધુ પડતો લસણનો ઉપયોગ એસિડિટી કરી શકે એટલે પોતાની મર્યાદા સમજીને ઉપયોગ કરવો.

• આદુ

આદુ કુદરતી દર્દનાશકનું કામ કરે છે. શરીરના કોઈ પણ ભાગમાં દર્દ હોય ત્યારે આદુનો રસ અકસીર સાબિત થાય છે. આદુનો રસ એક ચમચી મધ સાથે લઈ શકાય અથવા અડધી ચમચી સૂંઠના પાવડરને મધ સાથે ચાટી જવાથી સંધિવાના દુખાવામાં ત્વરિત રાહત મળે છે.

• અખરોટ

આપણે સૌ જાણીએ છીએ કે અખરોટ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખાદ્યપદાર્થ છે. ઓમેગા-3 ફેટી એસિડ સાંધાની સ્થિતિસ્થાપકતામાં સુધારો કરી શકે છે. વળી ઓમેગા -3 ફેટી એસિડ લોહીની અશુદ્ધિઓ દૂર કરી રક્તનું પરિભ્રમણ સુધારતું હોઈ તે ઘસારો પામેલા સાંધાઓ તરફ લોહીનું પરિભ્રમણ વધારી સ્નાયુઓને મજબૂત કરે છે.

• પાલકની ભાજી

જો થાઈરોઈડ અને પથરીની સમસ્યા ન હોય તો પાલકની ભાજી રોજિંદા આહારમાં શામેલ કરવી જોઈએ. પાલકમાં કેમ્ફેરોન નામના એન્ટી ઓક્સિડન્ટ તત્ત્વો રહેલાં છે જે સાંધાના સોજાને કાબૂ કરી શકે છે.

• કાળી દ્રાક્ષ

કાળી દ્રાક્ષની છાલમાં રહેલું રિઝર્વેટ્રોલ નામનું તત્ત્વ હાડકાંના જોડાણમાં થતાં ઇન્ફલેમેશનને અટકાવવા માટે શક્તિમાન છે. તો ૧૦-૧૫ સૂકી કાળી દ્રાક્ષનું સેવન (ડાયાબિટીસના દર્દીઓએ ડાયેટિશ્યનની સલાહ લીધા બાદ સેવન કરવું)રોજ સવારે કરવું.

• હળદર

શિયાળામાં લીલી હળદર મળે છે. આ લીલી હળદર + પાલક + આદુનો રસ એક કપ રોજ પીવામાં આવે તો આર્થરાઇટિસને વધતો અટકાવવામાં મદદ થઈ શકે છે. આ ઉપરાંત ૬૦ પછી થોડું થોડું શારીરિક, માનસિક રીતે સક્રિય રહેવું જરૂરી છે. જે હાડકાં અને સાંધાઓનો વપરાશ ઓછો થાય છે તે બરડ બની જાય છે આથી થોડી હળવી કસરતો, હાથ અને પગના સ્ટ્રેચ, યોગાસનો નિયમિત કરવા જરૂરી બને.
આમ થોડો આહારમાં ફેરફાર અને થોડો જીવનશૈલીમાં બદલાવ આર્થરાઇટિસની મુશ્કેલીઓમાં મદદરૂપ થઈ શકે.

LEAVE A REPLY