વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટન શિવનારાયણ ચંદ્રપોલનો તાજેતરમાં સિડનીમાં યોજાયેલા એક સમારંભમાં આઇસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હજુ માંડ એક મહિના પહેલા 2 ઓક્ટોબર, 2022ના રોજ વેસ્ટ ઈન્ડિઝના રન મશીન ચંદરપોલનો યુએસએ ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરાયો હતો. યુએસએ. ક્રિકેટ હોલ ઓફ ફેમમાં કોઈ ક્રિકેટરનો સમાવેશ કરવામાં આવ્યા પછી આટલા ટૂંકા ગાળામાં તેને આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું હોય તેવી ક્રિકેટ ઇતિહાસની આ પ્રથમ ઘટના છે.
કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં જમૈકા તલ્લાવાહ્સના મુખ્ય કોચ તરીકે વ્યસ્ત હોવાથી ચંદરપોલ તે સમારંભમાં ભાગ લઈ શક્યો નહતો. બીજા યુએસએ ક્રિકેટ હોલ ઓફ ફેમર જતીન પટેલે તે સાંજે ચંદરપોલ તરફથી આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
આઇસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થયા બાદ આભાર વ્યક્ત કરતાં ચંદરપોલે કહ્યું કે, આ ખૂબ જ પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત કરવા બદલ હું ખૂબ સન્માનિત થયો છું.
ચંદરપોલ બ્રાયન લારા પછી વેસ્ટ ઇન્ડિઝનો એકમાત્ર એવો ક્રિકેટર કે જેને 10,000થી વધુ ટેસ્ટ રન ફટકાર્યા હોય. 1994માં 19 વર્ષની ઉંમરે ખેલાડી તરીકે પદાર્પણ કરતાં તેને 2015માં 41 વર્ષની ઉંમરે નિવૃત્તિ જાહેર કરી હતી. ચંદરપોલે 164 ટેસ્ટમાં 51.37ની બેટિંગ એવરેજ સાથે 11,867 રન ફટકાર્યા છે. તેને 268 વન-ડેમાં 41.60ની એવરેજથી 8778 રન નોંધાવ્યા છે. પોતાના સ્લો લેગ બ્રેક બોલર તરીકે તેને 9 ટેસ્ટ અને 14 વન ડે વિકેટ પણ ઝડપી છે.
ચંદરપોલે નિવૃત્તિ પછી 2016માં કોચિંગ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને 2020માં યુએસએ ક્રિકેટ હોલ ઓફ ફેમર જતીન પટેલ સાથે ચંદરપોલ ક્રિકેટ એકેડેમી શરૂ કરી હતી.