India storms into the semi-finals of the T20 World Cup
(ANI Photo)

પાકિસ્તાન, ન્યૂ ઝીલેન્ડ તથા ઈંગ્લેન્ડ પણ નોકાઉટના જંગમાં, મેજર અપસેટમાં ડીફેન્ડીંગ ચેમ્પિયન, યજમાન ઓસ્ટ્રેલિયા અંતિમ ચારમાંથી આઉટ

ભારતે રવિવારે ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટની છેલ્લી સુપર 12 લીગ સ્ટેજ મેચમાં ઝિમ્બાબ્વે સામે 71 રને જંગી વિજય સાથે ગ્રુપ – 2માં ટોચનો ક્રમ મેળવ્યો હતો અને સેમિફાઈનલમાં ગુરૂવારે ઈંગ્લેન્ડ સામે મુકાબલો નિશ્ચિત કર્યો હતો, તો એ અગાઉ પાકિસ્તાને સરળતાથી બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવી ગ્રુપમાં બીજા ક્રમ સાથે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તેનો મુકાબલો ગ્રુપ એકની ટોપ ટીમ ન્યૂ ઝીલેન્ડ સામે બુધવારે થશે. જો કે, રવિવારની પહેલી મેચમાં એક અપસેટ સર્જાયો હતો અને નેધરલેન્ડ્સે સાઉથ આફ્રિકાને 13 રનથી હરાવતાં સાઉથ આફ્રિકા સેમિ ફાઈનલ્સની સ્પર્ધામાંથી ફેંકાઈ ગયું હતું. તે હાર્યું ના હોત તો પાકિસ્તાન આઉટ થઈ ગયું હોત. 

ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યુઃ 

રવિવારે એડીલેઈડમાં જ રમાયેલી ગ્રુપ ટુની ત્રણે મેચમાંથી સૌથી છેલ્લી મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો અને ઓપનર કે. એલ. રાહુલની અડધી સદી તથા સૂર્યકુમાર યાદવના ધમાકેદાર અણનમ 61 રન સાથે 5 વિકેટે 186 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. 

સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલી રવિવારે વિશેષ પ્રદાન કરી શક્યા નહોતા, પણ રાહુલની મજબૂત શરૂઆત પછી સૂર્યકુમારે ફક્ત 25 બોલમાં ચાર છગ્ગા અને છ ચોગ્ગા સાથે અણનમ 61 કરી ટીમનો સ્કોર મજબૂત બનાવ્યો હતો. તેની સાથે હાર્દિક પંડ્યાએ પણ 18 બોલમાં 18 રન કર્યા હતા, તો ઋષભ પંત પાંચ બોલમાં ફક્ત ત્રણ કરી રાયન બર્લના શાનદાર કેચનો શિકાર બન્યો હતો. 

એ પછી ઝિમ્બાબ્વેની તો શરૂઆત જ નામોશીભરી રહી હતી. ઈનિંગના પહેલા જ બોલે ભૂવનેશ્રરે વિકેટ ખેરવી હતી, તો 8મી ઓવરમાં તો ટીમે ફક્ત 36 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એ પછી ટીમના વિજયની શક્યતા લગભગ નહીંવત્ જેવી થઈ ગઈ હતી. સિકન્દર રઝાએ 24 બોલમાં 34 રન તથા રાયન બર્લે 22 બોલમાં 35 કરી છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 5.9 ઓવરમાં 60 રન ઝુડી નાખ્યા હતા. એ પછી જો કે રવિચન્દ્રન અશ્વિને તરખાટ મચાવી ત્રણ વિકેટ તથા હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે એક-એક વિકેટ લેતાં ભારતનો 17.2 ઓવર્સમાં જ શાનદાર વિજય થયો હતો. 

બાંગ્લાદેશ સામે ભારતનો પાંચ રને વિજયઃ 

અગાઉ, ગયા બુધવારે (02 નવેમ્બર) ભારતે પોતાની ચોથી મેચમાં બાંગ્લાદેશને વરસાદના વિધ્નના કારણે ટુંકાવાયેલી મેચમાં ડકવર્થ એન્ડ લુઈસ મુજબ બાંગ્લાદેશને પાંચ રને, છેલ્લી ઓવરમાં રોમાંચક રીતે હરાવ્યું હતું.  ભારતે પહેલા બેટિંગ કરતાં 20 ઓવર્સમાં પાંચ વિકેટે 184 રન કર્યા હતા. તેમાં રાહુલે 32 બોલમાં 50, કોહલીએ 44 બોલમાં અણનમ 64 તથા સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 30 રન કર્યા હતા. 

જવાબમાં બાંગ્લાદેશે 16 ઓવર્સમાં 6 વિકેટે 145 રન કર્યા હતા. ઓપનર લિટન દાસે 27 બોલમાં ધમાકેદાર 60 રન કર્યા હતા અને વરસાદનું વિઘ્ન આવ્યું ના હોત, તો ભારત માથે એક તબક્કે તો પરાજયનું જોખમ તોળાતું હતું. પણ વરસાદ પડતાં મેચ ટુંકાવીને 16 ઓવર્સની કરાઈ હતી અને બાંગ્લાદેશ સામે 151 રનનો ટાર્ગેટ મુકાયો હતો, જેની સામે ટીમ છ વિકેટે 145 રન સુધી જ પહોંચી શકી હતી. પહેલી 7 ઓવરમાં ટીમે વિના વિકેટે 66 રન કર્યા હતા, પણ વરસાદના વિક્ષેપ પછી 79 રન કરતાં તમામ છ વિકેટ ગુમાવી હતી. 

LEAVE A REPLY