ચૂંટણીમાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારો સામે ચૂંટણીપંચે આકરા વલણ અપનાવ્યું છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ગુનાહિત ઉમેદવારોને ઊભા રાખતા રાજકીય પક્ષોએ તેમના આવા કલંકિત ઉમેદવારોની સંપૂર્ણ વિગતો ફેસબુક અને ટ્વીટર સહિતના તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવાની રહેશે. આ ઉપરાંત સ્થાનિક અખબાર અને એક રાષ્ટ્રીય અખબારમાં પણ આવી સંપૂર્ણ માહિતી પ્રકાશિત કરવી પડશે.
નિયમો અનુસાર ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો બંનેએ ગુનાહિત રેકોર્ડની સંપૂર્ણ વિગતો પ્રકાશિત કરવાની રહેશે. આ વિગતો ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન ત્રણ વખત એવી રીતે પ્રકાશિત કરવી પડશે કે જેથી મતદારોને આવા ઉમેદવારોની પૃષ્ઠભૂમિ વિશે જાણકારી મેળવવાનો પૂરતો સમય મળી રહે.
રાજકીય પક્ષો માટે તેમની વેબસાઈટ પર પેન્ડિંગ ફોજદારી કેસ ધરાવતા વ્યક્તિઓ વિશે વિગતવાર માહિતી અપલોડ કરવી ફરજિયાત છે. આ વિગતોમાં ગુનાના પ્રકાર તથા આરોપ ઘડવામાં આવ્યા છે કે નહીં, સંબંધિત કોર્ટ, કેસ નંબર વગેરેનો સમાવેશ થવો જોઇએ.
આ ઉપરાંત રાજકીય પક્ષોએ પણ આવા ઉમેદવારની પસંદગી માટેના કારણો રજૂ કરવા પડશે. રાજકીય પક્ષોએ એની પણ સ્પષ્ટતા કરવી પડશે કે ગુનાહિત રેકોર્ડ વિનાની અન્ય વ્યક્તિઓને ઉમેદવાર તરીકે શા માટે પસંદ કરી શકાઈ નથી.
ચૂંટણીપંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પસંદગી માટેના કારણો સંબંધિત ઉમેદવારની લાયકાત, સિદ્ધિઓ અને યોગ્યતાના સંદર્ભમાં હોવા જોઈએ અને તે માત્ર ચૂંટણીમાં “જીતવાની ક્ષમતા”ના સંદર્ભમાં હોવા જોઇએ નહીં.
માર્ગદર્શિકા મુજબ આ વિગતો ઉમેદવારીપત્ર ભરવાની પ્રથમ તારીખના બે અઠવાડિયા પહેલા નહીં, પરંતુ ઉમેદવારની પસંદગીના 48 કલાકની અંદર પ્રકાશિત કરવી પડશે.
આ પછી સંબંધિત રાજકીય પક્ષે ઉમેદવારની પસંદગીના 72 કલાકની અંદર આ આદેશોના પાલનનો અહેવાલ ચૂંટણી પંચને સુપરત કરવાનો રહેશે. જો કોઈ રાજકીય પક્ષ ચૂંટણી પંચ સમક્ષ આવો અહેવાલ રજૂ કરવામાં નિષ્ફળ રહેશે તો ચૂંટણી પંચે તે પાર્ટીને માહિતી સુપ્રીમ કોર્ટને આપશે. તે કોર્ટના આદેશો/નિર્દેશોના તિરસ્કાર તરીકે સુપ્રીમ કોર્ટના ધ્યાન પર લાવશે.