પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા (પીટીઆઈ)ના વડા ઇમરાન ખાને રવિવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી મંગળવારથી ઈસ્લામાબાદ તરફની કૂચ ફરી શરૂ કરશે. તેઓ પંજાબ પ્રાંતના એ જ સ્થળેથી રેલીનો પ્રારંભ કરશે કે જ્યાં તેમના પર હુમલો થયા થયો હતો. શૌકત ખાનમ હોસ્પિટલમાંથી પત્રકાર પરિષદને સંબોધતાં ઇમરાને જણાવ્યું હતું કે વઝીરાબાદમાં જે સ્થળે મને અને અન્ય 11 લોકોને ગોળી વાગી હતી તે જ સ્થળથી રેલી ફરી ચાલુ કરવાનો અમે નિર્ણય કર્યો છે. ઇમરાન ખાને તેમના પરના હુમલા માટે વડા પ્રધાન શાહબાઝ શરીફ અને અન્ય બે લોકોને જવાબદાર ગણાવ્યા હતા.
દરમિયાન પાકિસ્તાનના પ્રેસિડન્ટ આરિફ અલ્વીએ મુખ્ય મુદ્દાઓ પર સર્વસંમતિ સાધવા માટે ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) અને શાહબાઝ શરીફ સરકાર મધ્યસ્થી કરવાની ઓફર કરી છે, એમ રવિવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. આરિફ અલ્વી ગોળીથી ઈજાગ્રસ્ત થયેલા ઇમરાન ખાનને મળ્યા હતા અને તેમના આરોગ્ય અંગે પૂછપરછ કરી હતી.
ગુરુવારે પંજાબ પ્રાંતના વઝીરાબાદ વિસ્તારમાં એક રેલી દરમિયાન થયેલા હુમલામાં ઇમરાન ખાનના જમણા પગમાં ગોળી વાગી હતી.
મીડિયા અહેવાલ મુજબ શનિવારે પ્રેસિડન્ટ અલ્વી અને ફર્સ્ટ લેડી બેગમ સમીના આરિફ અલ્વીએ ઇમરાન ખાનના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા લાહોરમાં શૌકત ખાનુમ મેમોરિયલ કેન્સર હોસ્પિટલ મુલાકાત લીધી હતી અને લગભગ ત્રણ કલાક તેમની સાથે રહ્યા હતા. પ્રેસિડન્ટ અને ફર્સ્ટ લેડીએ ઇમરાન ખાન ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભકામના આપી હતી.
આ મીટિંગ દરમિયાન અલ્વી અને ઇમરાન ખાને દેશની ગંભીર રાજકીય અને આર્થિક પરિસ્થિતિ અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. અલ્વીએ મુખ્ય મુદ્દાઓ પર સર્વસંમતિ સાધવા માટે વિવિધ પક્ષકારો વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. પ્રેસિડન્ટે પુનરોચ્ચાર કર્યો કે તમામ પક્ષકારોએ તેમના રાજકીય હેતુઓ હાંસલ કરવા અને વિવિધ મુદ્દાનો હલ શોધવા માટે, મંત્રણા સહિતના લોકતાંત્રિક માધ્યમોનો ઉપયોગ કરવો જોઇએ.