બોલિવૂડ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે રવિવારે (6 નવેમ્બર) પુત્રીના માતાપિતા બન્યા હતા. આલિયા સવારે 7 વાગ્યે મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ પહોંચી હતી અને તેને 12:05 વાગ્યે એક બાળકીને જન્મ આપ્યો હતો. આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યા હોવાના સમાચાર સામે આવતા જ સેલેબ્સ તથા ચાહકોએ શુભેચ્છા પાઠવી છે. અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત, મૌની રોય સહિતના સેલેબ્સે કપલને શુભેચ્છા પાઠવી હતી.
આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ અંગે પોસ્ટમાં લખ્યું હતું, “અને અમારા જીવનના શ્રેષ્ઠ સમાચાર:- અમારા બાળકનો જન્મ થયો છે….અને તે કેટલી જાદુઈ છોકરી છે. અમે પ્રેમથી છલકાઈ રહ્યા છીએ. લવ લવ લવ આલિયા અને રણબીર.”
આ દંપતીએ આ વર્ષે 14 એપ્રિલમાં તેમના મુંબઈ નિવાસસ્થાન વાસ્તુ ખાતે એક સાદા સમારોહમાં લગ્ન કર્યા હતા અને જૂનમાં આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી.
લગ્નના થોડા જ સમય પછી આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર ફેન્સને જાણકારી આપી હતી કે તે અને રણબીર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. તે સમયે તમામ લોકો ચોંકી ગયા હતા. ઘણાં લોકોએ તો એવી પણ ગણતરી શરુ કરી હતી કે લગ્ન સમયે આલિયા ગર્ભવતી હશે. પ્રેગ્નેન્સી દરમિયાન આલિયા ભટ્ટ પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં વ્યસ્ત રહી હતી. આ સિવાય તેમો પોતાની હોલિવૂડ ફિલ્મ માટે શૂટિંગ પણ કર્યુ હતું. તાજેતરમાં તેણે પોતાની મેટરનિટી ક્લોથ બ્રાન્ડ પણ લોન્ચ કરી હતી.
આલિયા ભટ્ટ માટે કપૂર અને ભટ્ટ પરિવારે ભેગા મળીને બેબી શાવરનું આયોજન કર્યુ હતું. તાજેતરમાં જ રણબીર કપૂરે પિતા બનવા વિશે વાત કરતા કહ્યુ હતું કે, બાળકને લગતી એક બૂક છે જે આલિયાએ વાંચી છે અને તે ઈચ્છે છે કે હું તે વાંચુ. હું તેને કહુ છું કે, પુસ્તક પરથી આપણને શીખવા નહીં મળે, આપણે જાતે જ તે અનુભવ કરવો પડશો. જો કે મેં 30 ટકા જેટલી તો તે વાંચી છે.
આલિયાનો જન્મ 15 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં થયો હતો. તે બોલિવૂડના લોકપ્રિય ફિલ્મમેકર મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની દીકરી છે. આલિયા ભટ્ટ માટે આ વર્ષ ઘણું સફળ સાબિત થયુ હતું. ગંગુબાઈ કાઠિયાવાડી, બ્રહ્માસ્ત્ર, ડાર્લિંગ્સ જેવી હિટ ફિલ્મો કરી છે. રણબીર કપૂરની પણ શમશેરા અને બ્રહ્માસ્ત્ર બે ફિલ્મો આ વર્ષે રીલિઝ થઈ હતી