નિરંકુશ ફુગાવાને અંકુશમાં લેવા માટે યુરોપ પછી અમેરિકા અને બ્રિટનને પણ વ્યાજદરોમાં ધરખમ વધારો કર્યો હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વ 2 નવેમ્બરે વ્યાજદરમાં સળંગ ચોથી વખત 0.75 ટકાનો જંગી વધારો કર્યો હતો. બીજી તરફ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે 3 નવેમ્બરમાં વ્યાજદરમાં મોટો વધારો ઝીંકીને રેટને 2.25 ટકાથી વધારીને સીધા 3 ટકા કર્યા હતા, જે 33 વર્ષમાં સૌથી મોટો વધારો છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે અર્થતંત્રનું ભાવિ પડકારજનક હોવાની ચેતવણી ઉચ્ચારી હતી.
અગાઉ યુરોપિયન સેન્ટ્રલ બેન્ક (ઇસીબી)એ 28 ઓક્ટોબરએ વ્યાજદરમાં 0.75 ટકાનો ધરખમ વધારો કર્યો હતો અને આગામી સમયમાં તેમાં વધુ વધારો કરવાનો સંકેત આપ્યો છે. અમેરિકા, યુકે અને યુરોપ હાલમાં ડબલ ડિજિટની નજીક મોંઘવારીનો સામનો કરી રહ્યાં છે અને તેમના અર્થતંત્રમાં મંદીમાં આવી જવાનો ભય છે.
ફેડરલ રિઝર્વના અધિકારીઓએ વ્યાજદરમાં સતત ચોથો 0.75 વધારો કર્યો હતો. કમિટીએ સર્વસંમતિથી લીધેલા નિર્ણયથી બેન્ચમાર્ક ફેડરલ ફંડ રેટ 3.75% થી 4% ની રેન્જ પહોંચ્યા છે, જે 2008 પછીનું તેનું ઉચ્ચતમ સ્તર છે. જોકે રાહતની બાબત એ છે કે ફુગાવાને અંકુશમાં લેવા માટે તેમની આક્રમક ઝુંબેશ તેના અંતિમ તબક્કાની નજીક આવી રહી હોવાનો સંકેત પણ આપ્યો હતો.
ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બે દિવસની બેઠક પછી બુધવારે વોશિંગ્ટનમાં બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર હાલનો રેટહાઇક ફુગાવાને આગામી સમયગાળામાં બે ટકાના સ્તરે લાવવા માટે જરૂરી છે.
નિવેદનમાં ફેડે જણાવ્યું હતું કે ટાર્ગેટ રેન્જમાં વ્યાજદરમાં ભાવિ વધારાની ગતિ નક્કી કરવામાં કમિટી નાણાકીય નીતિની આર્થિક પ્રવૃત્તિ અને ફુગાવાને અસર તથા આર્થિક અને નાણાકીય ગતિવિધીને ધ્યાનમાં રાખશે.
ગુરુવાર 3 નવેમ્બરે વ્યાજદરમાં વધારો કરતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ આગાહી કરી છે કે વર્તમાન ત્રિમાસિક ગાળા દરમિયાન ફુગાવો 40-વર્ષની ઊંચી સપાટીએ 11% સુધી પહોંચશે, પરંતુ બ્રિટન પહેલેથી જ મંદીમાં પ્રવેશી ચૂક્યું છે જે સંભવિત રીતે બે વર્ષ સુધી રહી શકે છે.
અગાઉ 22 સપ્ટેમ્બરે વ્યાજદરમાં વધારો થયો તે પછી BoE રાજકીય અને નાણાકીય ઉથલપાથલનો સામનો કરવો પડ્યો છે, કારણ કે ભૂતપૂર્વ વડા પ્રધાન લિઝ ટ્રુસની સરકારે 45 બિલિયન પાઉન્ડ ($52 બિલિયન) ટેક્સ કાપનું અનફંડેડ પેકેજ લોન્ચ કર્યું હતું અને રોકાણકારોને તેની આકરી પ્રતિક્રિયા આપી હતી.