કેનેડામાં હાલમાં તમામ ઈન્ડસ્ટ્રીમાં કામદારોની ભારે અછત હોવાના કારણે તેણે ઈમિગ્રન્ટ્સ માટે દ્રાર ખુલ્લા મુકવામાં આવ્યા છે. આગામી ત્રણ વર્ષમાં કેનેડામાં આશરે 14.5 લાખ લોકોને પર્મેનન્ટ રેસિડન્સી આપવામાં આવશે. કેનેડાના ઈમિગ્રેશન પ્રધાન સિન ફ્રેઝરે આ અંગે જાહેરાતથી 2023થી 2025 સુધીમાં ભારતીય ઈમિગ્રન્ટ્સને સૌથી વધુ તક મળવાની શક્યતા છે.
કેનેડામાં હેલ્થકેર, આઈટી સહિત તમામ મહત્ત્વના ઉદ્યોગોમાં કામદારોની અછત છે. તેથી તેમણે પર્મેનન્ટ રેસિડન્સી માટે ટાર્ગેટ વધારવાની ફરજ પડી છે.
કેનેડા સરકારના નવા ટાર્ગેટ પ્રમાણે 2023માં 4.70 લાખ લોકોને પર્મેનન્ટ રેસિડન્સી આપવામાં આવશે. તેના માટે અગાઉનો ટાર્ગેટ 4.50 લાખ હતો. 2024માં 4.80 લાખ અને 2025માં પાંચ લાખ લોકોને પીઆર સ્ટેટસ આપવાની યોજના છે. તેમાં ભારતીયો સૌથી વધારે ફાવી જાય તેવી શક્યતા છે કારણ કે કેનેડામાં પર્મેનન્ટ રેસિડન્સી માટે આમંત્રિત કરાતા લોકો તથા પર્મેનન્ટ રેસિડન્સી મેળવતા લોકો- બંનેમાં ભારતીયો આગળ છે. હવે નવો ટાર્ગેટ વધવાના કારણે પણ વધારે ભારતીયો કેનેડાના પીઆર મેળવે તેવી શક્યતા છે.
2021માં 1.30 લાખ ભારતીયોએ કેનેડાના PR મેળવ્યા હતા. તે વર્ષ દરમિયાન કેનેડાએ જે કુલ PR ઈશ્યૂ કર્યા તેમાં ત્રીજા ભાગનો હિસ્સો ગુજરાતીઓનો હતો. ઓગસ્ટ 2022ના આંકડા પ્રમાણે કેનેડામાં 9.60 લાખ જેટલી જગ્યાઓ ખાલી હતી અને તેના માટે લાયક માણસોની જરૂર છે. કેનેડામાં પણ લગભગ 10 લાખથી વધારે લોકો બેરોજગાર છે પરંતુ તેમની પાસે એવી સ્કીલ નથી જે આઈટી, હેલ્થકેર અને બીજા ઉદ્યોગોમાં કામ લાગી શકે.
આ ઉપરાંત કેનેડામાં સરેરાશ નાગરિકોની ઉંમર વધારે છે અને તેઓ લગભગ નિવૃત્તિના આરે પહોંચી ગયા છે. તેના કારણે સ્કીલ્ડ લોકોની ભારે અછત પેદા થઈ છે જેને ભરવા માટે ઈમિગ્રેશનના નિયમો સરળ બનાવવામાં આવશે.