હિમાચલપ્રદેશની યાત્રા દરમિયાન એક જનસભાને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે મંગળવારે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના દસ વર્ષના શાસનમાં પાકિસ્તાનમાંથી આલિયા, માલિયા, જમાલિયા ઘૂસી જતા અને સૈનિકોના માથા કાપી નાખતા હતા. વોટબેન્કની પોલિટિક્સને કારણે દિલ્હીમાં કોઈ કશું બોલતું ન હતું. ઘણા વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી કલમ 370ને ખોળામાં રાખીને બાળકની જેમ પંપાળતી રહી. આપણા બંધારણ ઘડવૈયાએ પણ કહ્યું હતું કે તે કામચલાઉ છે, પરંતુ કોંગ્રેસે તેને હટાવી ન હતી. બંધારણમાંથી કલમ 370 અને 35Aને નાબૂદ કરવાનું કામ વડાપ્રધાન મોદીએ કર્યું છે.
ગૃહપ્રધાને હિમાચલપ્રદેશ અને દિલ્હી બંનેમાં “મા-બેટા”નું પ્રભુત્વ ધરાવતી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને સવાલ કર્યો હતો કે ચાર્જશીટનો સામનો કરનારા લોકો પહાડી રાજ્યમાં સારી સરકાર કેવી રીતે આપી શકશે. તેમની ટિપ્પણી દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તથા હિમાચલ પ્રદેશમાં પ્રતિભા સિંહ અને તેમના પુત્ર વિક્રમાદિત્ય સિંહના સંદર્ભમાં હતી.
ચંબામાં જાહેરસભાને સંબોધતા ગૃહપ્રધાને જણાવ્યું હતું કે “રાજા-રાણી”નો જમાનો પૂરો થયો છે અને ભારત જેવા લોકશાહી દેશમાં જનતાનો આ સમય છે. તેમણે સરકારનું પુનરાવર્તન ન કરવાની પરંપરાને તોડીને રાજ્યમાં ભગવા પાર્ટીને ફરીથી સત્તા પર ચૂંટી કાઢવાનો મતદાતાને અનુરોધ કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે તેમણે કોંગ્રેસના નેતાઓના ભાષણો સાંભળ્યા છે અને તેમની પાસે હિમાચલમાં વૈકલ્પિક સરકારોની પરંપરા પર આધાર રાખવા સિવાય કશું કહેવાનું નથી. વૈકલ્પિક સરકારોની આ પરંપરાને બદલો અને રાજ્યમાં ભાજપનું પુનરાવર્તન કરો. આ પરંપરાને તોડીને બીજી વખત ભાજપની સરકાર બનાવો.