ગુજરાતના મોરબીની દુર્ઘટના અંગે અમેરિકા, રશિયા, ચીન સહિતના દેશોના વડાએ ઉંડા દુઃખ અને સંવેદનની લાગણી વ્યક્ત કરી હતી. સોમવારે યુએસ પ્રમુખ જો બિડેને ગુજરાતમાં મોરબીની દુર્ઘટનામાં પીડિત પરિવારોને સમર્થનનો સંદેશ મોકલ્યો હતો. તેમણે ટ્વિટર પર કહ્યું હતું કે “આજે અમારું હૃદય ભારત સાથે છે. જિલ અને હું પુલ તૂટી પડવાની ઘટના દરમિયાન પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના પાઠવીએ છીએ અને ગુજરાતના લોકોના શોકમાં જોડાઈએ છીએ.” તેમણે એમ પણ ઉમેર્યું હતું કે તેઓ આ દુઃખદ ઘડીમાં ભારતના લોકોની સાથે ઊભા રહેવાનું અને સમર્થન કરવાનું ચાલુ રાખશે.
યુએસ સેક્રેટરી એન્ટની બ્લિંકને તેમની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ આ મુશ્કેલ સમયે ભારતીય લોકોની સાથે છે. તેમણે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “ગુજરાતના મોરબીમાં ઝૂલતા પુલના તુટી જવાથી અમે ખૂબ જ દુઃખી છીએ.” તેમણે પીડિતોના પરિવારના સભ્યો માટે “ખૂબ સંવેદના” પણ વ્યક્ત કરી હતી.
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને તેમના ભારતીય સમકક્ષ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંવેદના પાઠવી હતી. ક્રેમલિને સોમવારે ટેલિગ્રામ દ્વારા તેની વેબસાઇટ પર જણાવ્યું “પ્રિય મેડમ પ્રેસિડન્ટ, પ્રિય વડાપ્રધાન, કૃપા કરીને ગુજરાત રાજ્યમાં પુલ તૂટી પડવાની દુ:ખદ ઘટના પર મારી ખૂબ જ સંવેદના સ્વીકારો.” તેમણે વધુમાં પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિના શબ્દો વ્યક્ત કરવા વિનંતી કરી અને દુર્ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ માટે ઝડપથી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી હતી.
ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુને ગુજરાતની ઘટના પર શોકનો સંદેશ મોકલ્યો હતો. સરકારી ટીવી સીસીટીવીના જણાવ્યા અનુસાર જિનપિંગ જણાવ્યું હતું કે “ચીની સરકાર અને ચીની લોકો વતી, હું પીડિતો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું અને તેમના પરિવારો અને ઘાયલો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું.” શ્રીલંકાના પ્રેસિડન્ટ કાર્યાલયના અખબારી નિવેદન મુજબ, પ્રેસિડન્ટ રાનિલ વિક્રમસિંઘેએ પીએમ મોદીને એક સંદેશમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર શોક અને દુખ વ્યક્ત કર્યું હતું.