મહારાષ્ટ્ર સરકારે મંગળવાર 1 નવેમ્બરે નિર્ણય કર્યો હતો કે કે મુંબઈ પોલીસ હવે અભિનેતા સલમાન ખાનને Y+ ગ્રેડનું સુરક્ષા કવચ પ્રદાન કરશે, જે હાલના સુરક્ષા કવચ કરતા બે સ્તરથી વધુ છે. તાજેતરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની કથિત ધમકીઓને પગલે સરકારે આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે.
વાય પ્લસ સુરક્ષા કવચમાં હવે 12 સશસ્ત્ર પોલીસની ટીમમાં કમાન્ડો પણ સામેલ હશે. અભિનેતા અક્ષય કુમાર અને અનુપમ ખેરને ‘X’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.
સલમાન ખાનને જુલાઈમાં મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેલમાં રહેલા લોરેન્સ બિશ્નોઈ દ્વારા કથિત રીતે સમર્થિત લોકોએ પંજાબના માનસા જિલ્લામાં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કર્યાના બે મહિના પછી આ ધમકી આપવામાં આવી હતી.
મહારાષ્ટ્રની એકનાથ શિંદે-ભાજપ સરકારે જણાવ્યું હતું કે રાજ્યના ગૃહ વિભાગે સલમાન ખાનને ‘વાય પ્લસ’ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. ભારતમાં પૂરી પાડવામાં આવતા સુરક્ષા કવચમાં તે ચોથા ક્રમનું સર્વોચ્ચ સુરક્ષા કવચ છે.