વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 30 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતીના દિવસે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભૂલભુલૈયા ગાર્ડન અઅને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું હતું.
મેઝ ગાર્ડન
આ મહિનાના ટુંકા ગાળામાં કેવડિયા ખાતે મેઝ (ભૂલભુલૈયા) ગાર્ડનનું નિર્માણ કરાયું છે. 3 એકર વિસ્તારમાં ફેલાયેલો આ મેઝ ગાર્ડન સમગ્ર દેશમાં સૌથી મોટો મેઝ ગાર્ડન છે, જે કુલ 2100 મીટરમાં ફેલાયેલો છે. કેવડિયા ખાતે બનાવવામાં આવેલ મેઝ ગાર્ડન ‘શ્રીયંત્ર’ ના આકારના યુનિક કોન્સેપ્ટ સાથે ડિઝાઇન કરાયો છે. શ્રીયંત્ર વાતાવરણમાં પોઝિટિવ એનર્જી મળતી હોવાનું માનવામાં આવે છે. આ ભૂલભુલૈયા બનાવવા માટે અહીંયા અંદાજે કુલ 1,80,000 છોડવા લગાવવામાં આવ્યા છે, ઉલ્લેખનીય છે કે આ સ્થળ મૂળરૂપે ખડકાળ પથ્થરોની ડમ્પિંગ સાઇટ હતી. આ નિર્જન વિસ્તારનું આવું પુનરુત્થાન તેના સૌંદર્યમાં તો વધારો કરે જ છે, પણ તેના કારણે એક વાયબ્રન્ટ ઇકોસિસ્ટમનું પણ નિર્માણ થયું છે, જે પક્ષીઓ, પતંગિયા અને મધમાખીઓને પણ આકર્ષે છે. મેઝ ગાર્ડનમાં એક વોચ ટાવર છે, જેના પર ઊભા રહીને આખા ગાર્ડનનો વ્યૂ નિહાળી શકાય છે. આ સમગ્ર પ્રોજેક્ટ વેલી ઓફ ફ્લાવર્સને અડીને બનાવવામાં આવ્યો છે.
મિયાવાકી ફોરેસ્ટ
(ANI Photo)કેવડિયામાં SSNNL સર્કિટ હાઉસ ટેકરીની બાજુમાં એકતા નગર ખાતે એકતા મોલની નજીક 2 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે. આ જંગલમા નેટિવ ફ્લોરલ ગાર્ડન, ટિંબર ગાર્ડન, ફ્રુટ ગાર્ડન, મેડિસિનલ ગાર્ડન, મિશ્ર પ્રજાતિઓનું મિયાવાકી સેક્શન અને ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટરનો સમાવેશ થાય છે. મિયાવાકી એ જાપાનીઝ બોટાનિસ્ટ અકિરા મિયાવાકી દ્વારા પ્રેરિત ટેક્નીક છે, જે ટુંકા ગાળામાં ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં છોડનો વિકાસ 10 ગણો ઝડપી થાય છે અને પરિણામ સ્વરૂપે 30 ગણું વધુ ગાઢ જંગલ ઊભું થાય છે. મિયાવાકી પદ્ધતિ માત્ર 2થી 3 વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા એક જંગલ ઊભું કરવામાં 20થી 30 વર્ષનો સમય લાગે છે.