મોરબીમાં ગત રવિવારે, 30 ઓક્ટોબરે મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી કડડભૂસ થઇ જતાં 134થી પણ વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે ઈ.સ.૧૯૭૯ની સાલમાં સર્જાયેલી મચ્છુ હોનારતની દુઃસ્વપ્ન સમી યાદ તાજી થઇ હતી.
ઘટનાથી સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. નદીમાં પડેલા અને ઘાયલ થયેલા લોકો માટે તંત્ર દ્વારા રવિવારે મોડે સુધી અને પછી સોમવારે પણ બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઈ હતી. સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ રખાયેલો ઝુલતો પુલ હજુ પાંચ દિવસ પહેલા જ ૨૦૭૯ના બેસતા વર્ષના દિવસે જાહેર પ્રજા માટે ખુલ્લો મુકાયો હતો ત્યારે રવિવારની રજાના કારણે સાંજે પુલ ઉપર ચિક્કાર ભીડ જામી હતી ત્યારે જ પૂલ ધસી પડતા બેબાકળા બનેલા લોકોની ચીસોથી કિનારે ઊભેલા લોકો હલબલી ઊઠ્યા હતા.
આ ઝૂલતો પુલ રીપેર થયા પછી મેઇન્ટેનન્સ માટે તેને ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો. આ કંપનીએ સરકારી તંત્રને જાણ કર્યા વગર પોતે જ પુલ ખુલ્લો મુકી દીધો હતો. આમ આ ઘટનામાં પ્રથમ નજરે બેદરકારી બહાર આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈ.સ.૧૮૭૯માં મોરબીના રાજવીએ યુરોપની અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી આ ઝુલતા પુલનું નિર્માણ કર્યું હતું. બન્ને બાજુ કોંક્રિટ સાથે જોડેલા લોખંડના જાડા તારના આધારે ૧૪૩ વર્ષથી આ પુલ ટક્યો હતો. હાલ તેનું સંચાલન નગરપાલિકા હસ્તક હતું પરંતુ, નગરપાલિકાએ આ પુલની મરમ્મતનું કામ તથા સંચાલન મોરબીના અજન્તા ગ્રુપના જયસુખ પટેલની ઓરેવા કંપનીને સોંપ્યું હતું. રિપેરીંગ માટે સાત મહિનાથી પુલ બંધ હતો અને નૂતન વર્ષના દિવસે કંપની દ્વારા તેને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. રિપેરીંગ માટે મોરબી નગરપાલિકાએ આશરે રૂ।.૨ કરોડથી વધુ ખર્ચ કર્યો છે. ૪.૬૦ ફૂટ પહોળાઈ અને ૨૩૩ મીટરની લંબાઈ ધરાવતા આ તારના આધારે ઝુલતા રહેતા પુલ પર રવિવારે રજાના પગલે ચિક્કાર ભીડ હતી અને લોકો મોજ માણી રહ્યા હતા ત્યાં જ પોણા સાત વાગ્યે તે વચ્ચેથી ધસી પડયો હતો.
મહિલા,બાળકો સહિત લોકો પુલ પરથી નદીમાં અને કિનારે પથ્થરો પર પટકાયા હતા. મચ્છુ નદીમાં મોટા કાળમીંઢ પથ્થરો છે જેના પર લોકો પછડાઈને તરવાનો પણ પ્રયાસ ન કરી શકે એવી ગંભીર ઈજા સાથે મોતને ભેટયા હતા. બચાવ કાર્ય માટે મોરબીમાં અપુરતી ટીમોને પગલે રાજકોટ,સુરેન્દ્રનગર,કચ્છ સહિત જિલ્લામાંથી એમ્બ્યુલન્સ, તરવૈયા બોલાવાયા હતા, રાજકોટથી ફાયરબ્રિગેડની સાત ટીમ ધસી ગઈ હતી.
ઘટના એટલી ભયાનક અને કરુણ હતી કે લોકો તારના આધારે કલાકો સુધી જીવ બચાવવા લટકતા નજરે પડયા હતા. નદીમાં પાણીમાં અને પથ્થર ઉપર ખૂબ ઉંચાઈથી પટકાયેલા લોકો કણસતાં રહીને મોતને ભેટયા હતા. દુર્ઘટનાના કલાક-બે કલાક સુધી તો મૃત્યુ આંક ઓછો હતો પરંતુ, રાત્રે એકપછી એક લાશો નદીની બહાર આવતી ગઈ ત્યારે અત્યંત કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સ્થળ પર અને હોસ્પિટલ પર લોકોના હૈયાફાટ આક્રંદથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
ઘટનાની કરુણતા એ હતી કે જ્યાં મચ્છુ નદીમાં ગંભીરપણે ઘાયલ લોકો પીડાના કારણે કણસતાં હતા તે જગ્યાથી ઉપર રસ્તા સુધી લાવવા કોઈ ઝડપી માર્ગ જ ન્હોતો.તેમને હોસ્પિટલે ઝડપથી પહોંચાડવા બચાવકાર્યમાં પણ મૂશ્કેલીઓ આવી હતી.
સ્થળ પર પહોંચેલા મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યા મૂજબ સાંજે ૬.૪૦ વાગ્યે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી, પુલ વચ્ચેથી તૂટતા તેના પર રહેલા સેંકડો લોકો નીચે પટકાયા હતા. ટિકીટબારી પર ત્રણસો મુલાકાતીઓની ટિકીટ લેવાઈ હતી. બચાવ કાર્ય તુરંત શરુકરાયું હતું પરંતુ, શરુઆતના એકાદ કલાકમાં મૃત્યુ આંક જાણી ન્હોતો શકાયો અને રાત્રિના સાડા નવ સુધીમાં ૪૦થી વધુ ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. જ્યારે ૬૦થી વધુ લોકોના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. ઘટનાની સી.એમ.ઓફિસથી તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આશરે સવા સાત વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોનથી વાત કરી હતી અને ઘટના અંગે ઘેરો શોક વ્યક્ત કરીને બચાવકાર્યમાં લેશમાત્ર કચાશ ન રહે તે માટે તાકીદ કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી, આરોગ્યમંત્રી સહિતના મંત્રીઓ આજે ઠેરઠેર યોજાયેલા કાર્યક્રમોને ટૂંકાવીને ઘટનાની જાણ થતા બાદ રાત્રિના સાડા નવ પછી મોરબી ધસી આવ્યા હતા. કેન્દ્ર દ્વારા મૃતકોને રૂ।.બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય જાહેર કરાઈ છે.
પ્રાથમિક રીતે ઝુલતાપૂલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટીની પૂરતી ચકાસણીનો અભાવ,ઓવરલોડથી આ ભયાનક દુર્ઘટના સર્જાયાનું તારણ છે. જો કે મુખ્યપ્રધાનકક્ષાએથી આ ઘટનાની તપાસ કરાવાશે.
મોરબીના ઝૂલતા પુલની દૂર્ઘટનામાં મૃતકાંક વધવા માટે ઊંચાઈ કારણભૂત બની હોવાની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી છે.
સ્થાનિક જાણકારોના કહેવા મુજબ, આ વર્ષો સારો વરસાદ થયો હોવાથી મચ્છુ નદીમાં પાણી વહી રહ્યાં હતાં. નદીમાં પાણીની ઊંડાઈ ચારથી પાંચ ફૂટ જ હતી. પરંતુ, પુલની ઊંચાઈ અંદાજે ૩૦ ફૂટ જેટલી હતી અને નદીનું તળ પથરાળ છે.
પથરાળ તળમાં ઈજા થવાથી કે હેબતાઈ જવાથી અનેક લોકો ભોગ બન્યાં છે. પુલ વચ્ચેથી તૂટયો પુલની મધ્યમાં જે લોકો હતા તેવી વ્યક્તિઓએ થોડું વધુ ઊંડું એટલે કે છ ફૂટ જેટલું પાણી હોવાથી જીવ ગુમાવ્યાની કે ગંભીર ઈજા પામ્યાની સંભાવના વધુ છે.