સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં શનિવારે શિક્ષણ મંત્રાલયની બહાર થયેલા બે કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા અને 300 ઘાયલ થયા હતા, એમ પ્રેસિડન્ટે રવિવારે વહેલી સવારે એક નિવેદનમાં જણાવ્યું હતું
કોઈ સંગઠને તરત જ હુમલાની જવાબદારી લીધી ન હતી, જોકે પ્રેસિડન્ટે ઈસ્લામિક જૂથ અલ શબાબને દોષીત ગણાવ્યું હતું. અલ શબાબ સામાન્ય રીતે એવા હુમલાઓની જવાબદારી લેવાનું ટાળે છે જેના પરિણામે મોટી સંખ્યામાં જાનહાનિ થાય છે.
પ્રથમ વિસ્ફોટ મોગાદિશુમાં વ્યસ્ત જંકશન નજીક શિક્ષણ મંત્રાલય નજીક થયો હતો. એમ્બ્યુલન્સ આવી અને લોકો પીડિતોને મદદ કરવા ભેગા થયા ત્યારે બીજો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના વેગથી આસપાસની બારીઓના કાચ તોડી નાખ્યા હતા. ઈમારતની બહારનો રોડ જ લોહીથી ઢંકાઇ ગયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, બ્લાસ્ટ શનિવારે બપોરે થયો હતો જેમાં બાળકો સહિત સેંકડો નાગરિકો માર્યા ગયા હતા. મોગાદિશુમાં હુમલો એવા દિવસે થયો જ્યારે પ્રેસિડન્ટ, વડા પ્રધાન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હિંસક ઉગ્રવાદનો સામનો કરવા માટે બેઠક કરી રહ્યા હતા.