ભારતની બીજા ક્રમની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસમાં શેરહોલ્ડિંગને કારણે બ્રિટનના નવા વડા પ્રધાન ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિને 2022માં ડિવિડન્ડ પેટે રૂ.126.61 કરોડ ($15.3 મિલિયન)ની કમાણી થઈ છે.
ભારતના શેરબજારોને આપેલી નિયમનકારી માહિતી અનુસાર ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સપ્ટેમ્બરના અંત સુધીમાં ઈન્ફોસિસના 3.89 કરોડ શેર અથવા 0.93 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવતા હતા. ઇન્ફોસિસના શેરના રૂ.1,527.40ના ભાવે આ ઇક્વિટી હિસ્સાનું મૂલ્ય રૂ.5,956 કરોડ (લગભગ $721 મિલિયન) થાય છે.
કંપનીના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર ઇન્ફોસિસે આ વર્ષે 31 મેના રોજ 2021-22 નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂ.16 અંતિમ ડિવિડન્ડ ચૂકવ્યું હતું. ચાલુ વર્ષ માટે કંપનીએ આ મહિને રૂ. 16.5ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.
આ બે ડિવિડન્ડ મળીને શેરદીઠ કુલ રૂ.32.5 કમાણી થાય છે. આમ અક્ષતા મૂર્તિને ડિવિડન્ટ પેટે રૂ. 126.61 કરોડની કમાણી થઈ છે.
ભારતની સૌથી ઊંચું ડિવિડન્ડ ચુકવતી કંપનીઓમાં ઇન્ફોસિસનો સમાવેશ થાય છે. કંપની 2021માં પ્રતિશેર કુલ રૂ.30 ડિવિડન્ડ ચૂકવ્યું હતું. જેનાથી તે કેલેન્ડર વર્ષમાં અક્ષતાને કુલ રૂ.119.5 કરોડ મળ્યા હશે.
42 વર્ષના સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. સુનક બ્રિટનના નાગરિક છે, જ્યારે તેમના પત્ની અક્ષતા ભારતના નાગરિક છે. તેઓ નોન ડોમિસાઇલ સ્ટેટસ ધરાવે છે. તેથી 15 વર્ષ સુધી બ્રિટનના ટેક્સ ચુકવ્યા વગર વિદેશમાંથી કમાણી કરી શકે છે. આ મુદ્દે યુકેમાં વિવાદ પણ ચાલુ છે.
તે સમયે તેમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતના નાગરિક હોવાથી તેઓ અન્ય દેશની નાગરિકતા ધરાવવામાં અસમર્થ છે અને “તેઓ યુકેની તમામ આવક પર યુકેનો ટેક્સ ચૂકવવી રહ્યાં છે અને ચુકવતા રહેશે.” વિવાદ વકરતા તેમણે તે સમયે જાહેરાત કરી કે તેઓ “બ્રિટિશ સેન્સ ઓફ ફેરનેસ”ને કારણે વિશ્વવ્યાપી કમાણી પર UK ટેક્સ ચૂકવશે. તે જાણી શકાયું નથી કે તેમણે એપ્રિલ પછી ડિવિડન્ડની આવક પર યુકેમાં કેટલો ટેક્સ ચૂકવ્યો હતો.
ઋષિ સુનક અને અક્ષતાની મૂર્તિ બ્રિટનમાં પહેલેથી વિવાદનું કારણ છે. આ દંપતી પાસે બ્રિટનના સ્વર્ગીય મહારાણી કરતા પણ વધારે સંપત્તિ છે અને અક્ષતા હજુ ભારતીય નાગરિક હોવાના કારણે બ્રિટનમાં ટેક્સ પણ ભરતા નથી. હવે તેમને આટલી મોટી રકમનું ડિવિડન્ડ મળવાનું છે ત્યારે આ મુદ્દો ચગશે તેવું લાગે છે.
અક્ષતા મૂર્તિએ લોસ એન્જલસથી ફેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કર્યું છે અને પછી તેમણે ડેલોઈટ અને યુનિલિવરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરતી વખતે સુનકને મળ્યા હતા અને 2009માં તેમણે લગ્ન કર્યા હતા.