અયોધ્યામાં રામમંદિરના ગર્ભગૃહમાં જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે, એમ રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું.
આશરે રૂ.1800 કરોડના ખર્ચ નિર્માણ થનારું આ મંદિર ભૂકંપ પ્રુફ હશે અને તે 1000 વર્ષથી પણ વધુ સમય સુધી ટકી રહે એવું હશે. 392 સ્થંભ અને 12 દરવાજા ધરાવતું આ મંદિર લોખંડની પટ્ટીઓનો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવ્યું છે. પથ્થરો જોડવા માટે લોખંડની પટ્ટીઓનો ઉપયોગ કરવાના બદલે પિત્તળની પટ્ટીઓ વાપરવામાં આવી છે.
ચંપત રાયના જણાવ્યા મુજબ મુખ્ય મંદિર 350 બાય 250 ફૂટનું હશે. આ મંદિરનું પચાસ ટકાનું કામકાજ પૂર્ણ થઈ ચૂક્યું છે. વડાપ્રધાન મોદીએ પાંચ ઓગસ્ટ 2020ના રોજ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. મંદિરના ગર્ભગૃહમાં 160 સ્થંભ હશે. જ્યારે મંદિરના પહેલાં માળે 82 પિલ્લર્સ હશે. મંદિરના 12 પ્રવેશદ્વાર સાગના લાકડામાંથી બનાવવામાં બનાવવામાં આવશે.