યુકેમાં ભારતીય મૂળના ઋષિ સુનક વડાપ્રધાન બનતા ભારતમાં પણ લઘુમતી સમુદાયના વ્યક્તિ વડાપ્રધાન બની શકે કે નહીં તેવા સવાલ સાથે રાજકીય વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસ સહિતના કેટલાંક વિપક્ષો એવો સવાલ કર્યો હતો કે ભારતમાં આવુ શક્ય છે ખરુ? કોંગ્રેસના કેરળમાંથી સાંસદ શશી થરુરે જણાવ્યું હતુ કે, સુનકે મેળવેલી સિદ્ધિની ભારતીયો ખુશી મનાવી રહ્યા છે, પણ ભારતમાં આવુ થઈ શકે ખરુ એવુ ઈમાનદારીથી આપણે પૂછવાની જરુર છે.
જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીએ કહ્યું હતું કે, બ્રિટને એક લઘુમતીને પોતાના વડાપ્રધાન તરીકે સ્વીકાર્યા છે, પરંતુ આપણે ભારતમાં હજુ એનઆરસી અને સીએએ જેવા ભાગલાવાદી કાયદા પર જ અટકી રહ્યા છે.
બીજી તરફ સત્તાધારી ભાજપે પણ તેના પ્રત્યાઘાત આપ્યા હતા. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, મહેબૂબા મુફતી શું જમ્મુ કાશ્મીરમાં લઘુમતીને મુખ્યપ્રધાન તરીકે સ્વીકારશે? સુનકની બ્રિટનના વડાપ્રધાન તરીકે પસંદગી બાદ કેટલાક નેતાઓ ભારતમાં બહુમતી સામે સક્રિય થઈ ગયા છે. હું યાદ અપાવવા માંગુ છું કે, પ્રેસિડન્ટ અબ્દુલ કલામ, વડાપ્રધાન મનમોહનસિંહ લઘુમતી હતા. આદિવાસી દ્રૌપદી મુર્મુ હવે આપણા પ્રેસિડન્ટ છે.
તેમણે જણાવ્યું હતું કે સુનકના તેમની અસાધારણ સફળતાના પગલે વખાણ થવા જોઈએ. તેની જગ્યાએ કેટલાક ભારતીય નેતાઓ તેને પણ રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે દુઃખદ બાબત છે.