અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના વિશ્વના સંખ્યાબંધ દેશોમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસમાં સોમવારે દિવાળીની ઉજવણીના સૌથી મોટા કાર્યક્રમનું આયોજન થયું હતું. આ ઉજવણીમાં જો બાઇડન સરકારના ઘણા ભારતીય અમેરિકનોની હાજરી પણ જોવા મળી હતી. બાઇડને દીપ પ્રગટાવીને તમામ લોકોને દિવાળીની શુભકામના આપી હતી.
વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીના કાર્યક્રમમાં પ્રેસિડન્ટ જો બાઇડને જણાવ્યું હતું કે અમે તમને આવકારતા સન્માનિત થયા છીએ. વ્હાઇટ હાઉસમાં આટલા મોટા પ્રમાણમાં દિવાળીની પ્રથમ ઉજવણી છે. ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ એશિયન અમેરિકનો ઉપસ્થિત છે અને અમે દિવાળીની ઉજવણીને અમેરિકન સંસ્કૃતિનો આનંદદાયક ભાગ બનાવવા બદલ તમારો આભાર માનવા માંગીએ છીએ.” આ સમયે ફર્સ્ટ લેડી જિલ બાઈડેન, નાયબ પ્રમુખ કમલા હેરિસ સહિત ભારતીય મૂળના ૨૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા. તેઓ પરંપરાગત ભારતીય પહેરવેશ શેરવાની, સાડીમાં પહોંચ્યા હતા અને આ રંગારંગ કાર્યક્રમમાં સિતારવાદક ઋષભ વર્માએ પરફોર્મ કર્યું હતું. કાર્યક્રમમાં મહેમાનોએ ભારતીય મીઠાઈઓનો સ્વાદ માણ્યો હતો. વ્હાઈટ હાઉસમાં સોમવારની રાતે દિવાળી પાર્ટીનું આયોજન કરાયું હતું. વ્હાઈટ હાઉસમાં આ વર્ષના દિવાળી સમારંભમાં પ્રમુખ જો બાઈડેને મંચ પર બે બાળકોને બોલાવ્યા હતા અને તેમને પ્રકાશપુંજ તરીકે ઓળખાવ્યા હતા.
જિલ બાઈડને પણ એશિયન અમેરિકન સમાજના લોકોની પ્રશંસા કરતા કહ્યું કે, આ સમુદાયના લોકોએ અમેરિકાને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરિસે કહ્યું કે, વ્હાઈટ હાઉસ સામાન્ય લોકોનું ઘર છે. અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઈડેને આ ઘરનું વાતાવરણ એવું બનાવ્યું છે કે અમેરિકાનો કોઈપણ નાગરિક પોતાની સંસ્કૃતિ અને તહેવારોની અહીં ઊજવણી કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીસ સહિત વિશ્વના અનેક નેતાઓએ દુનિયાભરમાં દિવાળીનો તહેવાર ઊજવનારા બધા જ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થનિ અલ્બનીસે કહ્યું હતું કે, આ દિવાળી તમારા અને તમારા પ્રિયજનો માટે દરેક ખુશીઓ અને શાંતિ લઈ આવે. સાથે જ ઓસ્ટ્રેલિયામાં સિડની ઓપેરા હાઉસ પણ ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતના વિજય પછી દિવાળી પ્રસંગે ઝગમગી ઊઠયું હતું.
પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પાકિસ્તાન અને દુનિયાભરના હિન્દુ સમુદાયને દિવાળી પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કરી, દિવાળી, પ્રકાશના તહેવાર પર પાકિસ્તાન અને દુનિયાના હિન્દુ સમુદાયને શુભેચ્છાઓ. આ દિવસ આપણી દુનિયામાં શાંતિ, ખુશી અને સદ્ભાવ લાવે.