The Cabinet Office sent Liz Truss a bill for £12000

લિઝ ટ્રસે આજે સવારે (તા. 25) ડાઉનિંગ સ્ટ્રીટના પગથિયાં પર વડા પ્રધાન તરીકે તેમનું અંતિમ ભાષણ આપી બકિંગહામ પેલેસ જઇને કિંગ ચાર્લ્સને મળીને રાજીનામુ આપ્યું હતું. તેમનું ભાષણ માત્ર ત્રણ મિનિટ અને સાત સેકન્ડ ચાલ્યું હતું જે તેમના પુરોગામી બોરિસ જૉન્સનના વિદાય ભાષણ કરતાં અડધાથી પણ  ઓછું લાંબુ હતું. ટ્રસે તેમના પતિ હ્યુ અને તેમની બે પુત્રીઓ ફ્રાન્સિસ અને લિબર્ટી સાથે તાળીઓના ગડગડાટ વચ્ચે ડાઉનિંગ સ્ટ્રીટ છોડી હતી. તેઓ યુકેના ઇતિહાસમાં સૌથી ઓછા સમય માટે સેવા આપનાર પીએમ બન્યા હતા.

લિઝ ટ્રસે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડા પ્રધાન તરીકેના તેમના અંતિમ ભાષણમાં જણાવ્યું હતું કે ‘’આ મહાન દેશના વડા પ્રધાન બનવું એ બહુ મોટું સન્માન છે. ખાસ કરીને, 70 વર્ષ સેવા આપનાર સ્વર્ગસ્થ મહારાણીના મૃત્યુના શોક વખતે રાષ્ટ્રનું નેતૃત્વ કરવું અને કિંગ ચાર્લ્સ III ના રાજ્યારોહણને આવકારવુ. ટૂંકા ગાળામાં, આ સરકારે મહેનતુ પરિવારો અને બિઝનેસીસ માટે તાત્કાલિક અને નિર્ણાયક રીતે કામ કર્યું છે. અમે નેશનલ ઈન્સ્યોરન્સના વધારાના પ્રસ્તાવને પણ ઉલટાવ્યો હતો. અમે લાખો પરિવારોને તેમના એનર્જી બિલમાં મદદ કરી હતી અને હજારો બિઝનેસીસને નાદારી ટાળવામાં મદદ કરી હતી. અમે આપણી એનર્જી ઇન્ડીપેન્ડન્સને પાછી લઈ રહ્યા છીએ, તેથી આપણે ફરી ક્યારેય વૈશ્વિક બજારની વધઘટ કે વિદેશી શક્તિઓને તાબે થવું ન પડે.’’

ટ્રસે જણાવ્યું હતું કે ‘’વડા પ્રધાન તરીકે મને પહેલા કરતાં વધુ ખાતરી છે કે આપણે હિંમતભેર બનવાની અને આપણે જે પડકારોનો સામનો કરીએ છીએ તેનો સામનો કરવાની જરૂર છે. જેમ કે રોમન ફિલોસોફર સેનેકાએ લખ્યું છે કે  “એવું નથી કે બાબતો મુશ્કેલ છે તેથી આપણે તે કરવાની હિંમત નથી કરતા. તે એટલા માટે છે કેમ કે આપણે હિંમત નથી કરતા માટે તે મુશ્કેલ બને છે.’’

તેમણે જણાવ્યું હતું કે ‘’સરકાર આપણી રાષ્ટ્રીય સંપત્તિનો વધતો હિસ્સો લેતી હોવાથી આપણને નીચા વિકાસવાળા દેશ તરીકે પરવડતું નથી. ખાસ કરીને જ્યાં આપણા દેશના વિવિધ ભાગો વચ્ચે વિશાળ વિભાજન છે. આપણે બ્રેક્ઝિટ સ્વતંત્રતાઓનો લાભ લેવાની જરૂર છે. આનો અર્થ એ છે કે આપણા પોતાના નાગરિકોને વધુ સ્વતંત્રતા આપવી અને લોકશાહી સંસ્થાઓમાં સત્તા પુનઃસ્થાપિત કરવી. તેનો અર્થ એ છે કે ઓછા કર, જેથી લોકો પોતાની કમાણી કરતા વધુ પૈસા પોતાની પાસે રાખે છે. તેનો અર્થ એ છે કે લોકો સુધી વિકાસ પહોંચાડવો જે વધુ નોકરીની સુરક્ષા, ઉચ્ચ વેતન અને આપણા બાળકો અને પૌત્રો માટે વધુ તકો સુધી દોરી જશે.’’

ટ્રસે જણાવ્યું હતું કે ‘’લોકશાહી તેમના પોતાના લોકો માટે ડિલિવરી કરવા માટે સક્ષમ હોવી જોઈએ. આપણે નિરંકુશ શાસનને હરાવવા માટે સક્ષમ હોવા જોઈએ, જ્યાં સત્તા થોડા લોકોના હાથમાં હોય છે. અને હવે પહેલા કરતા વધારે આપણે યુક્રેનને પુતિનની આક્રમકતા સામેની તેમની બહાદુર લડાઈમાં સમર્થન આપવું જોઈએ. યુક્રેન જીતવું જ જોઈએ. અને આપણે આપણા રાષ્ટ્રના સંરક્ષણને મજબૂત કરવાનું ચાલુ રાખવું જોઈએ. હું તે જ હાંસલ કરવા માટે પ્રયત્નશીલ છું… અને હું ઋષિ સુનકને દરેક સફળતા માટે, આપણા દેશના ભલા માટે ઈચ્છું છું.’’

તેમણે સૌનો આભાર માનતા જણાવ્યું હતું કે ‘’હું હ્યુ, ફ્રાન્સિસ, લિબર્ટી, મારા પરિવાર અને મિત્રો અને નંબર 10ની તમામ ટીમનો તેમના પ્રેમ, મિત્રતા અને સમર્થન માટે આભાર માનવા માંગુ છું. હું મારી સુરક્ષા ટીમનો પણ આભાર માનું છું. હું મારા મતવિસ્તારમાં વધુ સમય પસાર કરવા અને બેકબેન્ચ પરથી સાઉથ – વેસ્ટ નોર્ફોકની સેવા કરવાનું ચાલુ રાખવા માટે આતુર છું. આપણો દેશ તોફાન સામે સતત લડતો રહે છે. પણ હું બ્રિટનમાં માનું છું. હું બ્રિટિશ લોકોમાં વિશ્વાસ કરું છું. અને હું જાણું છું કે તેજસ્વી દિવસો આગળ છે.’’

LEAVE A REPLY