અયોધ્યામાં દિવાળીની પૂર્વસંધ્યાએ રવિવારે ઐતિહાસિક દીપોત્સવની ઉજવણીના ભાગરૂપે સરયુ નદીના કિનારે 15 લાખથી દીવાઓ પ્રગટાવવાનો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. આ પ્રસંગે મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગિનિસ રેકોર્ડનું પ્રમાણપત્ર દર્શાવ્યું હતું.
જય શ્રી રામથી પોતાના ભાષણની શરૂઆત કરતા મોદીએ દીપોત્સવના અવસર પર એક સભાને સંબોધિત કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે ભગવાન રામના પવિત્ર જન્મસ્થળથી હું મારા દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. લોકોએ ભગવાન રામ પાસેથી જેટલું શીખી શકાય તેટલુ શીખવું જોઇએ. મને ભગવાન રામના દર્શનની તક તેમના આશીર્વાદથી મળી છે. ખુશી છે કે વિશ્વભરના લોકો અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી જોઈ રહ્યા છે.
આ પહેલા મોદીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે ભગવાન રામની પૂજા અર્ચના કરી હતી. 5 ઓગસ્ટ, 2020 ના રોજ રામ મંદિરના નિર્માણ માટે “ભૂમિ પૂજન” પછી મોદીની અયોધ્યાની આ પ્રથમ મુલાકાત છે.