વોલ્લેજોના રહેવાસી 44 વર્ષીય તારિક અર્રહામન્ન માજિદને બાળકોનું જાતીય શોષણ કરવાના બે ગુનામાં 30 વર્ષની જેલ સજા ફટકારવામાં આવી હોવાનું તાજેતરમાં યુએસ એટર્ની ફિલિપ એ. ટાલબર્ટે જાહેર કર્યું હતું. કોર્ટના ડોક્યુમેન્ટ્સમાં જણાવ્યા અનુસાર બાળ અશ્લિલતા ઓનલાઇન મોકલવાના ગુનામાં માજિદની સંડોવણી જણાતા તેેની 2018ના અંતમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસના તપાસકર્તાઓને માજિદ દ્વારા બે સગીરોનું જાતીય શોષણ કરતી તસવીરો અને વીડિયો જોવા મળ્યા હતા. આ સગીરમાં એક બાળક ત્યારે માત્ર નવ વર્ષનું હતું.
અંતે તપાસકર્તાઓએ વીડિયોમાં દર્શાવવામાં આવેલા બે પીડિત બાળકોને શોધી કાઢ્યા હતા. માજિદે પણ સ્વીકાર્યું હતું કે, વીડિયોમાં તે પોત જ છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે માજિદ અન્ય ઘણા સગીરો સાથે સંપર્કમાં હતો, જેમાંથી ઘણા બાળકો આર્થિક રીતે નબળા પરિવારના હતા. તપાસ શરૂ થઈ ત્યારથી માજિદે શોષણ કરેલા ઘણા વધારે પીડિતો બહાર આવ્યા છે, અને માજિદ પર સોલાનો કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં આ પીડિતો સાથે ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તે કેસ હજુ પડતર છે.
આ અંગે યુએસ એટર્ની ટાલબર્ટે જણાવ્યું હતું કે, ‘માજિદને કરવામાં આવેલી લાંબી સજા તેણે અનેક બાળકો સાથે કરેલા ઘૃણાસ્પદ ગુનાઓને પ્રતિબિંબિત કરે છ. મારી ઓફિસ રાજ્ય, ફેડરલ અને સ્થાનિક સત્તાતંત્ર સાથે ભાગીદારીમાં કામ કરવાનું જાળવી રાખશે જેથી આવા ગુનેગારોનો પકડવામાં આવે અને આપણા સમાજના સૌથી નબળા વર્ગની સુરક્ષા નિશ્નિત કરવામાં આવે.’
આ કેસની તપાસ કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ કમ્પ્યુટર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન યુનિટ, ગોલ્ડન ગેટ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા કરવામાં આવી હતી. આસિસ્ટન્ટ યુએસ એટર્ની મિશેલ બેકવિથે આ કેસની કાર્યવાહી કરી હતી.