પાકિસ્તાનના ચૂંટણી પંચે શુક્રવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને રાજકીય હોદ્દા માટે અયોગ્ય ઠેરવ્યા છે. વિદેશી નેતાઓ પાસેથી મળેલી ભેટો વિશે અધિકારીઓને ગેરમાર્ગે દોરવાના આરોપમાં ઇમરાન સામે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડોન વર્તમાનપત્રના અહેવાલ મુજબ ઈમરાન ખાનને તોશાખાના રેફરન્સ કેસમાં ખોટું નિવેદન સબમિટ કરવા બદલ કલમ 63(i)(iii) હેઠળ પાંચ વર્ષ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. ઈસ્લામાબાદમાં ECP સચિવાલયમાં ચુકાદો જાહેર કર્યો હતો. કાનૂની નિષ્ણાતોના મતે ચૂંટણી પંચના ચુકાદા બાદ ઈમરાન ખાન નેશનલ એસેમ્બલીમાં પોતાની સીટ ગુમાવશે.
ચૂંટણી પંચે આ નિર્ણય લેતાં કહ્યું હતું કે તેઓ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. તેમની પર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન પર તોશાખાન મામલે સુનાવણી કરવામાં આવી રહી હતી. તે પહેલા 19 સપ્ટેમ્બરે ચૂંટણી પંચે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
જાણકારી અનુસાર આ નિર્ણય આવ્યા બાદ પાકિસ્તાનમાં હિંસા થવાના અણસાર છે જે બાદ ચૂંટણી પંચે સુરક્ષા વધારવાની સૂચના આપી હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે કોઈ પણ પીટીઆઈ નેતાને ચૂંટણી પંચની ઓફિસમાં આવવા દેવામાં આવે નહીં. જોકે ચૂંટણી પંચના આ નિર્ણયને ઈમરાન ખાન કોર્ટમાં પડકાર આપી શકે છે.