નવા ચાન્સેલર જેરેમી હંટ દ્વારા મિની-બજેટમાં સમાવિષ્ટ કરવેરાની કપાતના મોટાભાગના સૂચનો સંપૂર્ણપણે રદ કરી દીધા બાદ વડા પ્રધાન લિઝ ટ્રસ ભારે દબાણ હેઠળ છે અને યુગોવના એક સર્વે મુજબ અડધાથી વધુ ટોરી સભ્યો ઇચ્છે છે કે વડા પ્રધાન લિઝ ટ્રસ પોતાનો પદભાર છોડી દે. જો કે નંબર 10 ડાઉનીંગ સ્ટ્રીટના કહેવા મુજબ તેમની કેબિનેટના કોઇ મંત્રીએ વડા પ્રધાનને રાજીનામું આપવા વિનંતી કરી નથી.
બીજી તરફ વડા પ્રધાન પદના ટોચના દાવેદાર ઋષિ સુનકે વડા પ્રધાન થવા માટે શ્રીમતી ટ્રસને હાંકી કાઢવા દાવપેચ આજમાવતા હોવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ મતદાનમાં જાણવા મળ્યું છે કે હાલ બોરીસ જૉન્સન સત્તા સંભાળવા માટે સૌના મનપસંદ છે.
આ મતદાનમાં શ્રીમતી ટ્રસનું રેટિંગ માઈનસ 70 થઈ ગયું છે. ટોરી સભ્યોના અન્ય સર્વેક્ષણે સૂચવ્યું છે કે જો નેતૃત્વની હરીફાઈ ફરીથી થાય તો તેઓ ઋષિ સુનકને 60 અને ટ્રસને 40 પોઇન્ટનું સમર્થન આપશે.
સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે પાર્ટીના પાંચમાંથી ચાર કાર્યકરો વિચારે છે કે પીએમ ખરાબ કામ કરી રહ્યા છે અને 55 ટકાને ખાતરી છે કે તેણીએ જવું જોઈએ. જ્યારે માત્ર 38 ટકા લોકોએ તેઓ વડા પ્રધાન તરીકે ટકી રહે તેને સમર્થન આપ્યું હતું.
તેમના પુરોગામી જૉન્સનને 32 ટકા લોકોએ તેમને ટેકો આપ્યો હતો જ્યારે 23 ટકાએ ઋષિ સુનક અને 10 ટકાએ બેન વોલેસને પસંદ કર્યા હતા. જાહેર નાણાંની અસ્પષ્ટ સ્થિતિ અંગે વડા પ્રધાન ટ્રસે તા. 18ના રોજ કેબિનેટ સાથે 90 મિનિટની ચર્ચા કરી હતી.
શુક્રવારે ક્વાસી ક્વાર્ટેંગને બરતરફ કર્યા બાદ શ્રીમતી ટ્રસે તા. 17ના રોજ બીબીસીના ઇન્ટરવ્યુમાં પરાજય માટે વિલંબથી માફી માંગી, સ્વીકાર્યું કે તેણીએ ‘ભૂલો’ કરી હતી અને ‘ખૂબ જ ઝડપથી’ થઈ ગઈ હતી. નર્વસ દેખાતા ટ્રસે વચન આપ્યું હતું કે તે આગામી ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરશે. તેમણે સાંસદોના વન નેશન જૂથને પણ સમાન સંદેશ આપ્યો હતો.
વરિષ્ઠ બેકબેન્ચર સાઇમન હોરેએ ચેતવણી આપી છે કે પાર્ટીએ ‘લેન્ડ સ્લાઇડ હાર’ને ટાળવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડી શકે છે. હાલમાં લેબર મતદાનમાં ટોરી કરતા 36 પોઈન્ટ આગળ છે.