ઉત્તરાખંડમાં યાત્રાધામ કેદારનાથ પાસે મંગળવાર, 18 ઓક્ટોબરે હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલોટ સહિત સાત યાત્રાળુનાં મોત થયાં હતાં. યાત્રાળુને લઈ જતું હેલિકોપ્ટર સવારે 11.40 વાગ્યે રૂદ્રપ્રયાગમાં ગરુડ ચટ્ટી નજીક કેદારનાથ મંદિરથી ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું
અધિકારીઓએ જણાવ્યું હતું કે “સ્થળ પરથી છ તીર્થયાત્રીઓ અને એક પાયલોટના મૃતદેહ મળી આવ્યા છે.” મીડિયા રીપોર્ટ મુજબ મૃતકોમાં ત્રણ યુવતીઓ ભાવનગર જિલ્લાની છે. ભાવનગરમાં રહેતા યુવતીના પરિવારજનોને દુર્ઘટનાની જાણ થતા શોકનો માહોલ છવાયો હતો. ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડ બંને પિતરાઈ બહેનો હોવાનું જાણવા મળ્યું હતું. બંને ભાવગરના દેસાઈનગર-2માં રહેતી હતી. પૂર્વા રામાનુજ નામની અન્ય યુવતી ભાવનગર જિલ્લાના સિહોરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતી.
પ્રારંભિક તપાસ સૂચવે છે કે ખરાબ હવામાન અને નબળી વિઝિબિલિટી ક્રેશનું કારણ છે. ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ સી રવિશંકરે જણાવ્યું હતું કે, “યોગ્ય તપાસ બાદ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાશે.” એવિએશન રેગ્યુલેટરના સૂત્રોએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરમાં આગ લાગી તે પહેલા મોટો અવાજ સંભળાયો હતો. “દિલ્હી સ્થિત આર્યન એવિએશનનું બેલ 407 હેલિકોપ્ટર VT-RPN કેદારનાથથી ગુપ્તકાશીના માર્ગમાં સંભવતઃ વાદળછાયા વાતાવરણને કારણે ક્રેશ થયું છે,”
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને જિલ્લા પોલીસ અકસ્માત સ્થળ પર સંયુક્ત શોધ અને બચાવ કામગીરી હાથ ધરી રહી હતી. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપ્યા હતા. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેઓ રાજ્ય સરકારના સતત સંપર્કમાં છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં તીર્થયાત્રીઓ અને પાયલોટના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.