મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠના 102 વર્ષના ઇતિહાસમાં કુલપતિ તરીકે પ્રથમ વાર બિનગાંધીવાદીની વરણીના કથિત વિરોધમાં નવ ટ્રસ્ટીઓએ સોમવાર, 17 ઓક્ટોબરે રાજીનામા આપ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પસંદગી કરાઈ છે
આ વિવાદ વચ્ચે વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ પૈકી 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપ્યા હતા. જોકે હજુ સુધી તેઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા નથી. 18 ઓક્ટોબરે ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભ પહેલા જ ટ્રસ્ટી મંડળે રાજીનામા આપ્યા હોવાની ઘટના બની છે.
રાજીનામા આપનારા ટ્રસ્ટીઓમાં નરસિંહભાઈ હઠીલા, ડૉ સુદર્શન આયંગાર , ડૉ અનામિક શાહ, ડૉ મંદાબેન પરીખ, ઉત્તમભાઈ પરમાર, ચૈતન્ય ભટ્ટ, નીતાબેન હાર્ડીકર, માઈકલ માંઝગાંવકર અને કપિલ શાહનો સમાવેશ થાય છે. ગુજરાત વિદ્યાપીઠમાં કુલપતિની નિમણૂકથી નારાજગી હોવાના કારણે તેમણે રાજીનામા આપ્યા છે તથા કુલપતિની નિમણૂકને લઈને રોષ પણ ઠાલવ્યો છે.
ગુજરાત વિદ્યાપીઠના ઈન્ચાર્જ કુલસચિવ નિખિલ ભટ્ટે ખુલાસો કર્યો હતો કે ટ્રસ્ટીઓના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠની મંડળની બેઠક મળી હતી. રાજીનામા ઉપર ચર્ચા કરીને સ્વીકાર નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજીનામા આપનાર ટ્રસ્ટીઓએ સાથે અન્ય ટ્રસ્ટીઓ સંવાદ કરશે.
ટ્રસ્ટી મંડળમાં 24 સભ્યો છે પણ કેટલાંકે આચાર્ય દેવવ્રતની નિમણૂકનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે, ગાંધીજીની વિચારધારાને આગળ વધારવા ગાંધીવાદીની જ નિમણૂક થવી જોઇએ.
ગુજરાત વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલે નવા કુલપતિ તરીકે ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતને આમંત્રણ આપવાનો મંગળવાર (4 ઓક્ટોબર)એ સર્વસંમતીથી નિર્ણય કર્યો હતો, એમ એક યાદીમાં જણાવાયું હતું.